Get The App

બગોદરામાં પ્રેમી પંખીડાનો મંદિરના ચોગાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
બગોદરામાં પ્રેમી પંખીડાનો મંદિરના ચોગાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત 1 - image

- પરિણીત યુવક અને યુવતી ૧૫ દિવસથી ઘર છોડી ભાગ્યા હતા

- પૌત્રી ભાગી જતાં આઘાતમાં દાદાનું અવસાનઃ દીકરી સાથે વ્યવહાર ન હોવાનું જણાવી પિતાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

બગોદરા : બાવળા તાલુકાના બગોદરા પાસે એક પ્રેમી યુગલે મંદિરના ચોગાનમાં લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી બંનેના મૃતદેહ પોસ્ટરમોર્ટ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, બાવળાના ચિયાડા ગામના યુવક ગૌતમ પરસોતમભાઈ જાદવ અને કેશરડી ગામની યુવતી કિંજલબેન બાબુભાઈ રાઠોડ ૧૫ દિવસ પહેલા પોતપોતાના ઘરેથી ભાગી ગયા હતા. આ બંને પ્રેમી પંખીડા ગત રોજ બગોદરા પાસે આવેલા એકલ માતાના મંદિરના ચોગાનમાં દોરડું બાંધી અંતિમ પગલું ભરી લીધું હતું.

બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી મૃતદેહને ઝાડ પરથી ઉતારી પોસ્ટમોર્ટ માટે મોકલી હતી. પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ મોબાઈલ ફોન, બેગ અને દસ્તાવેજો મળી આવ્યા છે. મૃતક યુવક ગૌતમ પરિણીત હતો અને તેને પત્ની તથા એક પુત્રી પણ છે. 

આ ઘટના અંગે પોલીસે મૃતક યુવતી કિંજલબેનના પિતાને જાણ કરી ત્યારે મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. પિતાના જણાવ્યા મુજબ, પુત્રી પરિણીત યુવક સાથે ભાગી ગઈ હોવાના આઘાતમાં તેના દાદાનું અવસાન થયું હતું. સામાજિક બદનામી અને પરિવાર પર આવી પડેલા દુઃખને કારણે પિતાએ પુત્રી સાથેનો સંબંધ તોડી આ કઠોર નિર્ણય લીધો હોવાનું મનાય છે. હાલ બગોદરા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.