Get The App

પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે આશીર્વાદરૂપ સાબિત થતી લોક અદાલત

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે આશીર્વાદરૂપ સાબિત થતી લોક અદાલત 1 - image

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એન. આર. જોષીના નેતૃત્વમાં તારીખ 14 માર્ચ, 2026ના રોજ જામનગર જિલ્લા અદાલત તથા તેના તાબાની તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોક અદાલતમાં અંદાજે 25 જેટલા જ્યુડિશિયલ ઓફિસરોએ ભાગ લીધો હતો, જ્યારે બેંકિંગ સંસ્થાઓ, મોબાઈલ કંપનીઓ અને પી.જી.વી.સી.એલ. જેવી 15 જેટલી વિવિધ સંસ્થાઓએ પણ આ પ્રક્રિયામાં જોડાઈને સહયોગ આપ્યો હતો. પક્ષકારો વચ્ચે પરસ્પર સમજાવટ અને સમાધાનકારી વલણ દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે આ લોક અદાલત સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

 આ રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન વિવિધ પ્રકારના કાનૂની વિવાદો જેવા કે ફોજદારી સમાધાનપાત્ર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ચેક રિટર્નના કેસો, બેંક રિકવરીના દાવાઓ અને મોટર અકસ્માત વળતરના કેસોનો અગ્રતાના ધોરણે નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લેબર તકરાર, લગ્ન વિષયક અને કૌટુંબિક વિવાદો, વીજળી અને પાણીના બિલોને લગતા પ્રશ્નો, જમીન સંપાદનના કેસો તેમજ સર્વિસ મેટરના પે-એલાઉન્સીસ અને નિવૃત્તિના લાભોને લગતા કેસોમાં પણ હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.

સાથે જ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય તેવા રેવન્યુ કેસો તથા અન્ય સિવિલ કેસો જેમાં ભાડુઆત, સુખાધિકાર હક, મનાઈ હુકમના દાવા અને સ્પેસિફિક પરફોર્મન્સ જેવા ગંભીર વિષયોનો પણ સમાધાનકારી રીતે અંત લાવવામાં આવ્યો હતો.

આ સફળ આયોજનના અંતે જામનગર જિલ્લામાં કુલ 7,166 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં પક્ષકારો વચ્ચે કુલ રૂ. 21,76,97,841/- જેવી માતબર રકમનું સેટલમેન્ટ થયું છે. લોક અદાલતના માધ્યમથી મોટી સંખ્યામાં કેસોનો નિકાલ આવતા ન્યાયતંત્ર પરનું ભારણ ઘટ્યું છે અને પક્ષકારોને લાંબી કાનૂની પ્રક્રિયામાંથી મુક્તિ મળી છે, તેમ સચિવશ્રી અને એડિશનલ સીનિયર સિવિલ જજ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.