Get The App

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા

વિદેશ રહેતા પરિવારના ઘરમાંથી પણ ચોરી : કુલ ૧.૯૫ લાખની મતા લઇ જતા ચોર

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા 1 - image

વડોદરા,ન્યુ માંજલપુર વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટના બે ફ્લેટમાંથી ચોર ટોળકી ૧.૯૫ લાખની મતા લઇ ગઇ હતી. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 ન્યુ માંજલપુર શુભ એંકલેવ ફ્લેટમાં રહેતા ઇશાન અશોકભાઇ નામદેવ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.  ગત ૧૯ મી એપ્રિલે પત્ની અને પુત્રી વેકેશનમાં પિયર મધ્યપ્રદેશ ગયા હતા. જેથી, ઇશાન પણ મકાનને તાળું મારીને માતાના ઘરે ગયો હતો. તે દરમિયાન બંધ મકાનના તાળા તોડીને ચોર સોના ચાંદીના દાગીના અને રોકડા ૫૦ હજારની ચોરી કરી ગયા હતા. જ્યારે તેમના ઉપરના ફ્લેટમાં રહેતા  અને છેલ્લા બે વર્ષથી ફિનલેન્ડમાં રહેતા નિલેશ મનમોહનભાઇ ચૌધરીના ઘરમાંથી પણ ચોર ટોળકી સોના ચાંદીના દાગીના લઇ ગઇ હતી. ચોર ટોળકી ૧.૯૫ લાખની મતા ચોરીને ફરાર થઇ ગઇ હતી. જે અંગે માંજલપુર  પોલીસે તપાસ હાથ ધરી છે.


હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા પરિવારના ઘરમાં ચોરી

૧.૦૪ લાખના સોના ચાંદીના લઇને ચોર ટોળકી ફરાર

વડોદરા,

હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા પરિવારના મકાનમાંથી ચોર ટોળકી સાડા ત્રણ લાખની મતા લઇ  ગઇ છે.

હરણી રોડ સવાદ ક્વાટર્સમાં રહેતો શ્રમજીવી ભાવેશ રમેશભાઇ સોલંકી સંયુક્ત પરિવારમાં રહે છે.ગત ૧૦ મી એપ્રિલે બપોરે બે વાગ્યે પરિવારના સભ્યો ઘર બંધ કરીને ભાવેશની બહેનને સારવાર માટે સંગમ ચાર રસ્તા  પાસે પ્રસૂતિ ગૃહમાં લઇ  ગયા હતા. રાત્રે ૧૧ વાગ્યે ઘર ચેક કરવા આવ્યા ત્યારે લોક મારેલું હતું. બીજા દિવસે બપોરે અમારા ઘરે ચોરી થયાની જાણ થતા અમે આવીને જોયું તો ચોર ટોળકી ૧.૦૪ લાખના સોના ચાંદીના દાગીના ચોરી ગઇ  હતી.



રાવપુરાના મકાનમાંથી 

માત્ર ૪૫ મિનિટમાં જ દાગીના લઇને ચોર ટોળકી ફરાર

પતિ કામ પર ગયા  પછી  પત્ની સૂઇ ગઇ અને ચોરી થઇ

 વડોદરા,

શહેરના અવર જવરથી વ્યસ્ત વિસ્તારમાં માત્ર ૪૫ મિનિટના ગાળામાં જ ચોર ટોળકી ૫૦  હજારના દાગીના લઇને જતી રહી  હતી. જે અંગે કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.

રાવપુરા વડીવાડી પટણી મહોલ્લામાં રહેતા લુબાનાબેન સાકીરબેગ મોગલ ગત ૧૨ મી તારીખે રાત્રે જમીને  પરિવારજનો સાથે સૂઇ ગયા હતા. સવારે તેમના પતિને કામ માટે જવાનું હોઇ તેઓ જાગ્યા હતા. પતિ ૧૦ વાગ્યે કામ માટે જતા તેઓ ફરીથી સૂઇ ગયા  હતા. પોણા અગિયાર વાગ્યે તેઓ  જાગ્યા ત્યારે જોયું તો બેડરૃમમાં મૂકેલી તિજોરી ખુલ્લી હતી. ૪૫ મિનિટના સમયગાળા દરમિયાન ચોર સોના - ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ ૪૯,૫૦૦ ની મતા લઇ ગયા હતા.