Get The App

ચોટીલાના સાંગાણી નજીક ગોપાલ હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી રૃ. 85.66 લાખનો દારૃ ઝડપાયો

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
ચોટીલાના સાંગાણી નજીક ગોપાલ હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી રૃ. 85.66 લાખનો દારૃ ઝડપાયો 1 - image

દારૃની ૧૧,૪૯૬ બોટલ, ટ્રક સહિત રૃ.૧.૦૬ કરોડનો મુદામાલ જપ્ત ઃ બિનવારસી ટ્રકના ચાલક, માલિક સહિત ચાર શખ્શ સામે ગુનો

હાઇવે પરની હોટલોનો ગેરકાયદે પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોવાની વધુ એક ઘટના 

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લાની હાઇવે પરની હોટલનો કેમિકલ ચોરી, દારૃની હેરાફેરીમાં થતી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. ૩૧મી જાન્યુઆરીએ માલવણ નજીક આલિશન હોટલમાંથી એસએમસીએ દરોડો પાડી દોઢ કરોડનો દારૃ ઝડપાયા બાદ ચોટીલાના સાંગાણી ગામના પાટિયા પાસે ગોપાલ હોટલમાં પાર્ક ટ્રકમાંથી એલસીબી પોલીસે ૮૫.૬૬ લાખની દારૃની ૧૧,૪૯૬ હોટલ ઝડપી પાડયો છે. એલસીબીએ દારૃ, ટ્રક સહિતનો રૃ.૧.૦૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર હાજર નહીં મળી આવેલા ચાર શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ઈંગ્લીશ દારૃની હેરાફેરી અને કટીંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો વચ્ચે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બાતમીના આધારે ચોટીલા-સાયલા નેશનલ હાઈવે પર ચોટીલાના સાંગાણી ગામના પાટિયા પાસે ગોપાલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક ટ્રકમાંથી દારૃ ઝડપી પાડયો છે.

પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાં ખાતરની થેલીઓની આડમાં સંતાડેલી ઈંગ્લીશ દારૃની ૧૧,૪૯૬ બોટલ (કિં.રૃ.૮૫,૬૬,૮૦૦), ખાતરની ૨૨૫ થેલીઓ (રૃ.૬૭,૫૦૦), ટ્રક (રૃ.૨૦,૦૦,૦૦૦), મોબાઈલ સહિત ફૂલ રૃ.૧,૦૬,૩૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. જ્યારે સ્થળ પર હાજર મળી નહીં આવેલ ટ્રક ચાલક, ટ્રક માલિક, ઇંગ્લિશ દારૃ મોકલનાર અને મંગાવનાર સહિત ફૂલ ૦૪ શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમ દ્વારા મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૃ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.