Gujarat

કચ્છમાં સર્વત્ર ગાજવીજ સાથે હળવા-ભારે વરસાદી ઝાપટા, લોકોને ગરમીમાંથી રાહત

By GS Team
30 Jun 20201 min read
This article was originally published on 30 Jun 2020
કચ્છમાં સર્વત્ર ગાજવીજ સાથે હળવા-ભારે વરસાદી ઝાપટા, લોકોને ગરમીમાંથી રાહત

ભુજ, તા. 30 જૂન 2020, મંગળવાર

હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણની વચ્ચે રાપર, અબડાસા, ભચાઉ, માંડવી, લખપત, મુંદરા સહિતના વિસ્તારોમાં ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક ઝાપટારૂપી વરસાદ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. ભુજમાં બપોર એક વાગ્યાના અરસામાં વરસાદી ઝાપટુ વરસ્યું હતું.

રાપર સહિત વાગડ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે ગરમી અને સખ્ત ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે રાપરનગરમાં સવારના સાડા અગિયાર વાગ્યે વરસાદના ઝાપટા પડયા હતા. તાલુકા મથક રાપરમાં અડધા કલાક સુધી વરસાદના ઝાપટા પડયા હતા. જેના લીધે શહેરના દેશનાબેંક ચોક, માલી ચોક, મુખ્ય બજારો, આથમણા નાકા સહિતના વિસ્તારમાંથી પાણી વહી નીકળ્યા હતા. રાપર ઉપરાંત ચિત્રોડ, નીલપર, કલ્યાણપર, પ્રાગપર, નંદાસર, ત્રંબૌ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વરસાદના ઝાપટાના લીધે અગાઉ પડેલા વરસાદના કારણે વાવેતર કરવામાં આવેલ મોલને ફાયદો થશે તેવું ખેડુતોએ જણાવ્યુ હતું.

ભચાઉમાં ધીમી ધારે વરસાદના ઝાપટા વરસ્યા હતા. ઉપરાંત જિલ્લાના નલિયા, લખપત, માંડવી, મુંદરા સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી ઉકળાટભર્યા માહોલ વચ્ચે ભુજમાં બપોર એક વાગ્યાના અરસામાં વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.