Get The App

ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો યથાવત્

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના જસાપરમાં  ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો યથાવત્ 1 - image

સ્થાનિક તંત્રએ સરકારી કાગળ પર સુધારો કરી સંતોષ માન્યો

રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓ સામે સ્થાનિક તંત્રના ઇરાદાપૂર્વક ઢીલી નીતિ રાખતું હોવાની ચર્ર્ચા

ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે નર્મદા કેનાલને અડીને આવેલી કરોડોની કિંમતની ગૌચર જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ભેચડા રોડ પર સર્વે નંબર ૩૬૨ની આ જમીનને અગાઉ ભૂમાફિયાઓએ મેલી મુરાદ સાથે ખાનગી માલિકીના ૭/૧૨ના ઉતારામાં ચડાવી દીધી હતી.

રજૂઆત બાદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ આ જમીનને ખાનગી નામેથી હટાવી ફરી ગૌચર જાહેર કરી હતી. જોકે, આ સુધારો માત્ર સરકારી ચોપડે જ સીમિત રહ્યો છે, કારણ કે સ્થળ પર હજુ પણ ગેરકાયદેસર કબજો યથાવત છે અને ત્યાં વાવેતર પણ કરવામાં આવ્યું છે.

સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ જમીન પર કબજો જમાવનાર શખ્સો રાજકીય વગ ધરાવે છે, જેના કારણે તાલુકા પંચાયત કે તલાટી મંત્રી દબાણ હટાવવાની હિંમત કરી રહ્યા નથી. નિયમ મુજબ ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની જવાબદારી સ્થાનિક તંત્રની છે, પરંતુ અહીં ઈરાદાપૂર્વક ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું જણાય છે. કૌભાંડ ઉજાગર થયાના એક વર્ષ બાદ પણ ભૂમાફિયાઓ બેખોફ જમીનનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે હવે તંત્ર આ કિંમતી જમીન ક્યારે મુક્ત કરાવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.