Get The App

જામનગરમાં સરકારી ખરાબાની આશરે 2.80 કરોડની કીંમતી જમીન પચાવી પાડવાનું કારસ્તાન : 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં સરકારી ખરાબાની આશરે 2.80 કરોડની કીંમતી જમીન પચાવી પાડવાનું કારસ્તાન : 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો 1 - image

Jamnagar Land Grabbing : જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની આશરે 2 કરોડ 80 લાખની જમીન કે જેના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6 શખ્સો સામે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. એક અરજદાર દ્વારા કરાયેલી અરજી દરમિયાન સ્વાગત ફરિયાદ નિવારણની બેઠકમાં તપાસના અંતે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, અને આ ગુનો દાખલ કરાયો છે. શહેર વિભાગના ડીવાયએસપી આ મામલે ઝીંણવટ ભરી તપાસ કરી રહ્યા છે.

જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની જમીન કે જે 8,586 ચોરસ મીટર છે, અને તેની હાલ બજાર કિંમત 2 કરોડ 80 લાખ થવા જાય છે. જે કોઈ ખાનગી પેઢીની માલિકી ન હોવાનું જાણવા છતાં કેટલાક શખ્સોએ આ જમીનના ખોટા નકશા બનાવી લીધા હતા, અને તેમાં 66 પ્લોટ પાડી અને જમીનના ખોટા વેચાણ કરાર ઊભા કરી નાખ્યા હતા. જે અંગે જામનગરના એક અરજદાર ગોવિંદભાઈ ભાણાભાઈ શિયાળ દ્વારા તા.23/05/2025 ના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને તપાસનીશ અધિકારી અને મદદનીશ કલેક્ટર જામનગર શહેરના દ્વારા તેની નોંધ કરીને જામનગર જિલ્લા લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબીશન કમિટીની તા.27/01/2026 ના રોજ મળેલી બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં જામનગરના જય સરદાર નોન-ટ્રેડીંગ કોર્પોરેશન નામથી જામનગર શહેરના સરકારી ખરાબાના સ.નં. 1125 તથા તેની આજુબાજુની નદીકાંઠાની વગર સર્વે નંબરની જમીન મળી કુલ 8581.50 ચો.મી. જમીનમાં રહેણાંક હેતુ માટે કુલ-11 પ્લોટ પાડી વેચાણ કરેલ છે. જોકે સ.નં. 1125 વાળી જમીન પ્રથમથી અત્યાર સુધી સરકારી ખરાબા તરીકે રેકર્ડમાં નોંધાયેલ છે. તેમજ અન્ય જમીન નદીકાંઠા વગર નંબરની જમીન છે. આ જમીન સામાવાળાઓને ક્યારેય ફાળવવામાં આવેલ નથી, તેમજ આ જમીન તેઓને મળેલ હોવાના આધારો તેઓએ સમિતિ સમક્ષ રજૂ કરેલા નથી. 

આમ, ઉપરોક્ત તમામે માલિકી હક્ક ન હોવા છતાં સરકારી જમીન ગેરકાયદેસર રીતે વેચાણ કરી આર્થિક લાભ મેળવેલ છે. જેથી ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, 2020 હેઠળની અરજી અન્વયે ઉપરોક્ત બેઠકમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરાયો હતો. 

જેના અનુસંધાને જામનગર શહેર વિભાગની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જીતેન્દ્ર હંસરાજભાઈ પીપરીયા જાતે ફરિયાદી બન્યા હતા અને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત સરકારી ખરાબાની જમીન ગેરકાયદે પચાવી પાડવા અંગે જામનગરમાં રહેતા મનસુખ રતીલાલ ભરતી (રહે.49 દિ.પ્લોટ, સોનલ માના મંદિર પાસે, ઉદ્યોગનગર જામનગર), આમદભાઈ ઉંમરભાઈ ખફી (રહે, મસીતીયા વાડી વિસ્તાર, જામનગર), નુરમામદ ઉર્ફે ખોડુભાઇ દાઉદભાઈ ચાવલ (રહે.ગુલાબશાહ પીરની દરગાહ પાછળ, જોડીયા ભુંગા, જામનગર), રાજેશ કાંતીલાલ મારૂ (રહે. સાધના કોલોની બ્લોક નં.એલ-10/2356 જામનગર), જસેશ રતિલાલ રાણપરીયા (રહે. કૃષ્ણનગર શેરી નં.5, રણજીત સાગર રોડ, જામનગર) અને જગદિશ ગણેશભાઈ ચોવટીયા (રહે. મારૂ કંસારા હોલ પાછળ, જામનગર) સામે સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 ઉપરોકત જમીનના તેઓ માલીક ન હોવાનુ જાણતા હોવા છતા છળકપટ કરી, તેઓ પાસે કોઈ માલિકી હક્ક કે પ્રત્યક્ષ કબજો ન હોય તેમ છંતા જમીનના પ્લોટના ખોટા નક્શા બનાવી તથા ખોટા વેચાણ કરાર ઉભા કરી ગરીબ મધ્યમવર્ગના માણસોને લલચાવી જમીનને કીંમતી જામીનગીરીમાં ફેરવી જય સરદાર નોનન્ટ્રેડીંગ કોપોરેશન નામના સહી સિક્કા કરીને સરકાર સાથે છેતરપીંડી કરી સરકારી જમીન પચાવી પાડી વેચાણ કરી નાખ્યા અંગે ગુનો નોંધ્યો છે.