Get The App

મુળી અને ચોટીલા પંથકમાં તળાવો તળિયાઝાટક : પશુપાલકોની હિજરત શરૂ

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
મુળી અને ચોટીલા પંથકમાં તળાવો તળિયાઝાટક : પશુપાલકોની હિજરત શરૂ 1 - image

- ઝાલાવાડમાં ઉનાળાના પ્રારંભે જ જળસંકટ ઘેરાયું

- સુજલામ સુફલામ યોજાનાની કામગીરી ધીમી ગતિએ ચાલતા જનતા પરેશાન, વેચાતું પાણી લેવા મજબૂર

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભિક તબક્કે જ પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને મુળી અને ચોટીલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરી જતાં પીવાના પાણી અને માલઢોર માટે પાણીના વલખાં પડી રહ્યા છે. મુળી તાલુકાના ગઢડા, ખંપાળિયા, કુંતલપુર અને વડધ્રા જેવા ગામોના તળાવો અત્યારથી જ સુકાઈને તળિયાઝાટક થઈ ગયા છે. આ પરિસ્થિતિને કારણે પશુપાલકો પોતાના માલઢોર સાથે અન્ય વિસ્તારોમાં હિજરત કરવા મજબૂર બન્યા છે.

જિલ્લાના વઢવાણ, ધાંગધ્રા અને મુળી વિસ્તારમાં કેનાલ નેટવર્ક કે અન્ય સક્ષમ પાણી પુરવઠાની વ્યવસ્થાના અભાવે દર વર્ષે ઉનાળામાં આવી જ વિકટ સ્થિતિ સર્જાય છે. સરકાર દ્વારા ૪૪ ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવા માટે ૨૦૦ કરોડથી વધુના ખર્ચે નર્મદા આધારિત સુજલામ સુફલામ યોજનાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મે ૨૦૨૫માં મુખ્યમંત્રી દ્વારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું, પરંતુ તેની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. સ્થાનિકોની માંગ છે કે આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ થાય તો જ કાયમી ઉકેલ આવી શકે.

હાલમાં કુંતલપુર જેવા ગામોમાં લોકોને પીવાનું પાણી વેચાતું લેવું પડી રહ્યું છે, જ્યારે અનેક ગામોમાં લોકો બોરનું ક્ષારયુક્ત પાણી પીવા મજબૂર છે. બીજી તરફ, ચોટીલાના જસાપર અને નાનીયાણી જેવા અંતરિયાળ ગામોમાં જળ સ્ત્રોતો સુકાઈ જતાં માલધારીઓએ ઘાસચારા અને પાણીની અછતને કારણે હિજરત શરૂ કરી દીધી છે. જો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ટેન્કર અથવા તળાવો ભરવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગામડાઓ ખાલી થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.