Gujarat

આણંદમાં 'લા વિલાયતી', 'શ્રી કેટરર્સ'ને સબ સ્ટાન્ડર્ડ પનીર-ઘી બદલ દંડ કરાયો

By GS TEAM
5 Feb 20261 min read
આણંદમાં 'લા વિલાયતી', 'શ્રી કેટરર્સ'ને સબ સ્ટાન્ડર્ડ પનીર-ઘી બદલ દંડ કરાયો

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના ભંગ બદલ

'લા વિલાયતી'ને રૂ. ૪૦,૦૦૦ અને 'શ્રી કેટરર્સ'ને રૂ. ૩,૦૦,૦૦૦નો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો

આણંદ: આણંદ શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ખાદ્ય પદાર્થોેના નમૂના 'સબ સ્ટાન્ડર્ડ' જાહેર થતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ના ભંગ બદલ એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટ દ્વારા આણંદની 'મે. લા વિલાયતી'ને રૂ. ૪૦,૦૦૦ અને 'શ્રી કેટરર્સ'ને રૂ. ૩,૦૦,૦૦૦નો તોતિંગ દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. 

આ કેસની વિગત મુજબ, ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા મારૂતિ સોલારીસ ખાતે આવેલી 'મે. લા વિલાયતી'માંથી લુઝ પનીર તેમજ ઠક્કરવાડી સ્થિત 'શ્રી કેટરર્સ'માંથી 'કેશવ ઘી'ના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરી રિપોર્ટમાં આ બંને નમૂનાઓ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો મુજબ ન જણાતા તેને 'સબ સ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં દંડની દરખાસ્ત કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા સંબંધિત પેઢીઓને નોટિસ આપી રજૂઆતની તક આપવામાં આવી હતી, પરંતુ તમામ પુરાવાઓ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખી કોર્ટે કલમ-૫૦ અને ૫૧ મુજબ આ દંડનો આદેશ કર્યોે છે. આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.