Gujarat

આજે પતંગ પર્વ : ગોહિલવાડના ગગનમાં ખેલાશે પતંગ યુદ્ધ

By GS TEAM
14 Jan 20262 mins read
આજે પતંગ પર્વ : ગોહિલવાડના ગગનમાં ખેલાશે પતંગ યુદ્ધ

- અબાલ-વૃદ્ધ સૌ વહેલી સવારથી જ ધાબા-અગાશીમાં ધામા નાંખશે

- દી આથમતા જ આતશબાજીની રોશનીથી આભ ઝળહળી ઉઠશે, બજારમાં મોડીરાત સુધી પતંગરસિયાઓની ભીડ રહી

ભાવનગર : પતંગરસિકોના પ્રિય પર્વ ઉત્તરાયણની આવતીકાલે બુધવારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. મકરસંક્રાંતિના પર્વે વહેલી સવારથી મોડી સાંજ સુધી ગોહિલવાડના ગગનમાં પતંગ યુદ્ધ ખેલાશે. આખો દિવસ મ્યુઝિક સિસ્ટમોમાં ગીતોની રમઝટ અને ચીચયારિઓ વચ્ચે ગોહિલવાડવાસીઓ પતંગ પર્વની સાથે દી આથમતા જ જાણે દિવાળીનો માહોલ જામી ગયો હોય તેમ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છતાં આતશબાજીની રોશનીથી આભ જગમગી ઉઠશે.

ઉત્તરાયણના પર્વે અબાલ-વૃદ્ધ સૌ વહેલી સવારથી જ ધાબા-અગાશીમાં ધામા નાંખી દેશે. આ વર્ષે પવનની ગતિ પણ સાનુકૂળ રહેવાનું અનુમાન હોવાથી પતંગપ્રેમીઓનો ઉત્સાહ બહોળો થયો છે. લોકો પરિવાર અને સગા-સબંધી, મિત્ર વર્તુળ સાથે ધાબા-અગાશી ઉપર જ ખાણી-પીણીની મજા માણશે. સામેવાળાની પતંગ કાપતા જ 'કાપ્યો છે, એ ગયો..'ના ચીચિયારીઓ ગુંજશે. ઉત્તરાયણના આગલા દિવસે પણ બાળકો-યુવાનોએ પતંગ ચગાવવાની મોજ માણી હતી. તો રાત્રે મુખ્ય બજારમાં જાણે મેળો ભરાયો હોય તેમ પતંગપ્રેમીઓની છેલ્લી ઘડીની ખરીદી કરવા ચિક્કાર ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધી લોકોએ પતંગના કિન્ના બાંધ્યા હતા. ગોહિલવાડવાસીઓ કાલે ઉત્તરાયણ બાદ ગુરૂવારે વાસી ઉત્તરાયણની પણ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરશે. આ બે દિવસ દરમિયાન પતંગના દોરાથી ઈજા-મોત થવાની, ધાબા પરથી પડી જવાની દુર્ઘટનાઓ દર વર્ષે ઘટતી હોય છે, ત્યારે પતંગપ્રેમીઓએ સાવચેતી રાખવી જરૂરી છે. મૂંગા પક્ષીઓ પ્રત્યે પણ જીવદયા રાખી તહેવારની ઉજવણી કરવી જોઈએ. ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં તહેવારો સસ્તામાં થતા હતા. પરંતુ તેનો ઉમંગ મોંઘો હતો. હવે પતંગ-દોરાથી લઈ માંજાના ભાવ આભને આંબ્યા છે, પણ અગાઉના વર્ષોની તુલનામાં હવે પતંગ પર્વનો ઉત્સાહ ફિક્કો પડયો છે.

મકરસંક્રાંતિમાં દાનનું સવિશેષ મહત્વ

સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનું ખૂબ જ મહાત્મય વર્ણાવાયેલું છે. તેમાં પણ મકરસંક્રાંતિના પર્વે દાનનું સવિશેષ મહત્વ દર્શાવામાં આવેલું હોય, કાલે ગોહિલવાડવાસીઓ મૂંગા જીવો, ગરીબોને યથાશક્તિ પ્રમાણે દાન આપી પુણ્યનું ભાથું બાંધશે. કમુરતા પૂરા થતાં એક માસ બાદ કાલે મકરસંક્રાંતિના દિવસથી લગ્ન સહિતના શુભ અને માંગલિક કાર્યોનો પણ આરંભ થશે.

મંદિરોમાં પતંગના શણગારના દર્શનનો મહિમા

ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને ગોહિલવાડના તમામ ધર્મસ્થાનકોમાં દેવ, દેવીઓના મંદિરોમાં પતંગ દોરી, પતંગ પર્વની વિવિધ એસેસરીઝના મનોહર શણગાર અને સુશોભન સાથેના ચિત્તાકર્ષક દર્શન ખુલ્લા મુકાયા હતા. જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.તેની સાથોસાથ હવે તો કન્ની (કાનેતર)બાંધેલા પતંગોનું પણ સ્થાનિક બજારોમાં વધારાના ચાર્જ સાથે વેચાણ થઈ રહ્યુ હતુ.