Gujarat

મહાઠગ કિરણ પટેલે ગોધરાના ફરાસખાનાના વેપારી ને પણ છેતર્યા

By GS Team
18 Mar 20231 min read
This article was originally published on 18 Mar 2023
મહાઠગ કિરણ પટેલે ગોધરાના ફરાસખાનાના વેપારી    ને પણ છેતર્યા

ગોધરા તા.૧૮ પીએમઓનું નામ વટાવી છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલે ગોધરાના ફરાસખાનાના વેપારી સાથે પણ મોટી રકમની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

વર્ષ-૨૦૧૮માં વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિની ઇવેન્ટ કર્યા બાદ એજન્સીના નાણાં કિરણ પટેલે બાકી રાખ્યા હતાં. ગોધરા ખાતે ફરાસખાનાનો વેપાર કરતા કેતનભાઈ ગાંધીએ જે તે સમયે નવલખી નવરાત્રિ ઇવેન્ટમાં ફરાસખાનાનું કામ કર્યું હતું અને કેતનભાઈ સાથે એગ્રીમેન્ટ કર્યા બાદ પૂરતા નાંણાં નહીં આપતા તેઓએ અદાલતમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદ બાદ મહાઠગ કિરણ પટેલે તેની પત્નીના એકાઉન્ટના ચેક કેતનભાઈને આપ્યા ત્યારે પણ તેને પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી હતી. મહત્વની વાત એ છે કે જે તે સમયે ઇવેન્ટમાં વડોદરાના ધારાસભ્ય સહિતના મોટીવગ ધરાવતા લોકો પણ આ મહાઠગ કિરણ પટેલની વાતોમાં આવી ગયા હતા અને  ગોધરાના કેતનભાઈ ગાંધીએ પણ પૈસા બાબતે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મહાઠગ કિરણ પટેલ રાવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી હોવા છતાં પોલીસ સ્ટેશન બહાર સિગારેટ પીતો હોય તેવો વીડિયો વાયરલ થતા જે તે સમયે વિવાદ પણ થયો હતો. જાણવા મળ્યા મુજબ ગોધરાના કેતનભાઈ ગાંધીના રૃપિયા ૧૦ લાખ જેટલી રકમ બાકી છે અને આપેલા ચેકો પણ રિટર્ન થયા છે. મહાઠગે અન્ય પણ અનેક એજન્સીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.