- નવજાત બાળકો અને પ્રસૂતાઓનો મૃત્યુદર ઘટાડવા શરૂ કરેલી
- જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ ચાર વર્ષથી ચાલતી સેવા બંધ થતા શહેર અને અંતરિયાળ વિસ્તારોમાં હાલાકી
લખતર : રાજ્ય સરકાર દ્વારા નવજાત બાળકો અને માતાઓનો મૃત્યુદર ઘટાડવા માટે શરૂ કરવામાં આવેલી 'ખીલખીલાટ' એમ્બ્યુલન્સ સેવા લખતર તાલુકામાં હાલ બંધ થઈ ગઈ છે. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ, છેલ્લા ચાર વર્ષથી આ વાહન દ્વારા માતા અને નવજાત શિશુને હોસ્પિટલથી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવતી હતી.
જોકે, ગ્રાન્ટના અભાવે અચાનક આ સેવા સ્થગિત કરી દેવામાં આવતા અંતરિયાળ ગામડાઓની સગર્ભા મહિલાઓને હવે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે, જેનાથી આથક અને શારીરિક મુશ્કેલીઓ વધી છે.
મળતી માહિતી મુજબ, માત્ર લખતર જ નહીં પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ગ્રાન્ટના વિલંબને કારણે આ સેવાઓને માઠી અસર પહોંચી છે. સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિ બાદ ઘરે જવા માટે જે ખીલખીલાટ વાનની રાહ જોવાતી હતી, તે હવે ન દેખાતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો તંત્ર દ્વારા વહેલી તકે ગ્રાન્ટ ફાળવી આ સેવા પુનઃ શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સગર્ભા બહેનો અને બાળકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નો ઊભા થવાની શક્યતા છે.


