| AI તસવીર |
Kheda News: ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાગળ પૂરતી સીમિત છે. શહેર હોય કે ગામ છડે ચોક દારૂની રેલમછેલ થતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવે છે. પોલીસ તંત્ર હપ્તારાજમાં ડૂબેલું છે ત્યારે હવે દારૂને બંધ કરાવવા ગ્રામજનો એક થયા છે અને એક ઐતિહાસિક ઠરાવ કરી દારૂ બનાવતા કે વેચનારાના તમામ સરકારી-પંચાયતી લાભો બંધ કરી દેવાનો આદેશ કરી દીધો છે.
દારૂ બનાવતા કે વેચતા પકડાશે, તો સરકારી લાભો નહીં મળે
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા દારુના દુષણને નાથવા માટે આજે ગામ સમસ્ત એક બેઠક બોલવવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે દારૂ બનાવતા અને વેચનારા સામે કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઠરાવ કરી કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ બનાવતા કે વેચતા પકડાશે, તો તેને ગ્રામ પંચાયત તરફથી મળતા તમામ સરકારી અને પંચાયતી લાભો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે. ઠરાવ મુજબ દેશી દારુનુ વેચાણ કરતા 5 ઈસમોને વહેલી તકે પોતાનો ગેરકાયદેસર ધંધો બંધ દેવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
અનેક વ્હાલસોયાના દારૂના કારણે જીવ ગયા
ગામ નાનું છે તેમ છતાં આ આકરા નિર્ણય લેવા પાછળ મોતમુખો ભૂતકાળ છે. કારણ કે ગામમાં ભેળસેળવાળા દેશી દારૂના સેવનથી માત્ર 25 થી 35 વર્ષની વયજૂથના અનેક યુવાનોના અકાળે મોત થયા હતા. ગ્રામસભામાં અત્યંત ગંભીર બાબત ટાંકવામાં આવી હતી કે દર વર્ષે સરેરાશ 10થી વધુ બહેનો વિધવા બને છે. પરિવારોની બરબાદીના મૂળને જળમૂળથી ફેંકી દેવા હવે ગ્રામજનો એક થયા છે અને જનતા રેડ તેમજ પોલીસની મદદથી ગામમાંથી દારૂના દૂષણને ડામી દેવાનો હુંકાર ભર્યો છે.

સરપંચે પંચનામું કર્યું
બીજી તરફ સરપંચે પણ આ નિર્ણયને માત્ર મૌખિક ન રાખતા કાયદેસરનું સ્વરૂપ આપવા પંચનામું કર્યું હતું જેની લેખિત જાણ જિલ્લા પોલીસ અને મામલતદર કચેરીને કરી હતી. અને ગામમાં ઢંઢેરો પીટયો હતો કે આગામી સમયમાં જો કોઈ દારૂના અડ્ડા ચલાવતા હશે તો પંચાયત કડકમાં કડક કાર્યવાહી કરશે.
ફતેપુરા ગ્રામ પંચાયતની આ પહેલ અનેક ગામો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની શકે છે. સામે પોલીસ તંત્રની કામગીરી સામે પણ આંગળી ચીંધે છે કે જો પોલીસ દારૂના અડ્ડા ચલાવનારા પર કડક રાહે કામ કરે તો ગામ, સોસાયટી કે શહેરમાં દારૂબંધીનો અમલ ચુસ્તપણે લાગી શકે છે. આ ગામે તો પોલીસ સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે છતાં બુટલેગરો સાથે સાંઠગાંઠના કારણે કોઈ નક્કર પગલાં ન લેવામાં આવતા ગ્રામજનોએ એકસૂરે દારૂબંધી માટે અવાજ ઉઠાવ્યો છે.


