Gandhinagar News: રાજ્યની કુલ 14 સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના પરિવારજનોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠક બાદ કહ્યું કે 'દૂર-દૂરના ગામોમાંથી પોતાના સ્વજનોની સારવાર માટે સરકારી હોસ્પિટલ આવતા અનેક લોકોને શહેરોમાં રહેવા-જમવાની મુશ્કેલી પડતી હતી. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને હવે હોસ્પિટલોની નજીક જ આરામદાયક વિશ્રામગૃહ બનાવવાનો નિર્ણય કરાયો છે.'
કયા 14 જિલ્લાઓની હોસ્પિટલોમાં બનશે વિશ્રામગૃહ?
સેવાદાન ફાઉન્ડેશન દ્વારા કુલ 14 સરકારી સિવિલ/જનરલ હોસ્પિટલો ખાતે આ રેન બસેરા બનાવવામાં આવશે. કયા જિલ્લાઓની કઈ હોસ્પિટલોમાં વિશ્રામગૃહ બનાવાશે તેની પર નજર કરીએ.
- GMERS જનરલ હોસ્પિટલો: પોરબંદર, ગોધરા, અને મોરબી.
- જનરલ હોસ્પિટલો: લુણાવાડા, અમરેલી, નડિયાદ, વેરાવળ, ડીસા, વ્યારા, જામખંભાળીયા, આણંદ, બોટાદ, અને મોડાસા.
- મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ: જામનગર (એમ.પી. શાહ મેડિકલ કોલેજ).
આ પણ વાંચો: આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી! પડતર માંગણી 'પડતર' જ રહેતા ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન
સુવિધાઓ અને લાભ
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ લોકહિતનો છે, જેનાથી ગરીબ અને દૂરના વિસ્તારોમાંથી આવતા દર્દીઓના પરિવારજનોને મોટી રાહત મળશે. આ વિશ્રામગૃહોમાં દર્દીઓના સગા-સંબંધીઓને સ્વચ્છ આરામદાયક રૂમો, શુદ્ધ ભોજન અને પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ રેન બસેરા સંપૂર્ણપણે લોકહિતના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવશે, જેનાથી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પર પણ માનસિક દબાણ ઘટશે અને તેમના સગા-સંબંધીઓને આશરો મળશે.


