Get The App

કેસર કેરીની સીઝન અંતિમ તબક્કામાં, યાર્ડમાં ગત વર્ષ કરતા બમણી આવક

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
કેસર કેરીની સીઝન અંતિમ તબક્કામાં, યાર્ડમાં ગત વર્ષ કરતા બમણી આવક 1 - image

- પાછોતરો પાક સારો થતા,માવઠાં કે પ્રિમોન્સૂન વરસાદ નહીં નડતા 

- અસહ્ય, સતત ઉકળાટથી કેરી કુદરતી રીતે જ ઝડપથી પાકે છે, કેમીકલના જોખમથી બચવા કેરી પાણીથી ધોઈને વાપરવી જરૂરી

- ગત વર્ષે 44 દિવસમાં 4.45 લાખ બોક્સ સામે આ વર્ષે 50 દિવસમાં 8 લાખથી વધુ બોક્સ, ભાવમાં પણ ઘટાડો 

રાજકોટ: સૌરાષ્ટ્રવાસીઓ સહિત દેશભરમાં અનેક લોકોને જેનો સ્વાદ દાઢે વળગ્યો છે તે ગીર પંથકની કેસર કેરીની સીઝન સાનુકૂળ હવામાનના પગલે આ વખતે લંબાઈ છે. ધોધમાર માવઠાં કે પ્રિમોન્સૂન વરસાદ નહીં આવતા અને સતત બફારો જારી રહેતા કેરીની આવક અને વેચાણ વધ્યા છે. તાલાલા યાર્ડમાં ગત વર્ષથી અંદાજે બમણી આવક નોંધાઈ છે. જો કે હવે કેરીની સીઝન અંતિમ તબક્કામાં છે. 

સૂત્રો અનુસારગત વર્ષે યાર્ડાં ૪૪ દિવસે સીઝન પૂરી થઈ હતી અને કૂલ ૪,૪૯,૪૫૦ બોક્સ (પ્રતિ ૧૦ કિલો)ની આવક થઈ હતી. આ વર્ષે આજ સુધીમાં ૮ લાખથી વધુ બોક્સની આવક થઈ ગઈ છે. કેરીની સીઝન શરુ થઈ ત્યારે રૂ।.૪૫૦થી ૧૨૦૦ના પ્રતિ ૧૦ કિલોના ભાવ હતા, આજે તે ઘટીને રૂ।.૩૫૦થી ૭૦૦ અને સરેરાશ રૂ।.૫૦૦ સુધી નીચે ઉતર્યા છે. પાછોતરો પાક સારો ઉતર્યાના અહેવાલો છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળોથી અને કચ્છની કેસર કેરીની આવક પણ શરુ થતા કેરી બજાર ધમધમી રહી છે. હાલ અસહ્ય ગરમી પડી રહી છે તેમાં કાચી કેસર કેરી ત્રણેક દિવસ કંતાન કે કાગળથી ઢાંકીને રાખવાથી કુદરતી રીતે જ પાકી જતી હોય છે. કુદરતી રીતે પાકતી કેરી ઝડપથી બગડતી નથી પરંતુ, માન્ય કે અમાન્ય કેમીકલથી ધરાર પકવેલી કેરી ઝડપથી બગડવાનું જોખમ છે.હાલ ઓર્ગેનિક કેરીના દાવા પણ વ્યાપક રીતે થાય છે ત્યારે તે સામે પણ સવાલ છે ત્યારે કેરી ખરીદ્યા પછી તેને નમકવાળા હૂંફાળા પાણીમાં બરાબર પલાળી રાખી ધોઈને સાફ કરીને જ ઉપયોગમાં લેવા સલાહ અપાય છે.