Gujarat

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ

By GS TEAM
31 May 20263 mins read
TukuTouch Logo
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે રવિવારે(31 મે, 2026) હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4x100 મીટર રિલે સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ

Asian Under 20 Athletics Championship Hong Kong: જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે રવિવારે(31 મે, 2026) હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4x100 મીટર રિલે સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. 

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ

તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતાં કાજલે ટીમને 45.05 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-20 વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો 45.08 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે.

ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલના પિતા હીરાભાઈ વાજા જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના ચોરવાડ ગામનાં સામાન્ય ખેડૂત છે અને ખેત મજૂરી કરે છે. આર્થિક પડકારો વચ્ચે પણ કાજલે પોતાની રમતગમત કારકિર્દી પર અડગ ધ્યાન કેન્દ્રિત રાખ્યું અને પોતાના સપનાઓ સાકાર કરવા માટે અનેક ત્યાગ કર્યા. ટ્રેક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કાજલે ધોરણ-12માં એક વર્ષ ડ્રોપ લઈને તાલીમ અને સ્પર્ધાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેની આ નિષ્ઠા અને મહેનતનું ફળ તેને હવે આંતરરાષ્ટ્રીય મંચ પર મળ્યું છે.

કોચે શું કહું?

કાજલ વાજાના કોચ શિવમ ઉપાધ્યાયએ જણાવ્યું કે, “કાજલ દેશની સૌથી આશાસ્પદ યુવા સ્પ્રિન્ટર્સમાંની એક છે. તેણે ગુજરાતનું ગૌરવ વધારતાં 100 મીટર, 200 મીટર અને રિલે સ્પર્ધાઓમાં અનેક ચંદ્રકો જીત્યા છે. તેની શિસ્ત, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક માનસિકતા તેને અન્ય ખેલાડીઓથી અલગ બનાવે છે. તે દરેક તાલીમ સત્રમાં સંપૂર્ણ સમર્પણ સાથે ભાગ લે છે અને સતત પોતાના પ્રદર્શનમાં સુધારો કરવા પ્રયત્નશીલ રહે છે.”

કાજલના નામે અનેક રેકોર્ડ 

હોંગકોંગમાં જીતેલો રજત ચંદ્રક કાજલની સિદ્ધિઓની યાદીમાં વધુ એક મહત્ત્વપૂર્ણ ઉમેરો છે. આ અગાઉ તેણે 2025માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 4x100 મીટર રિલેમાં પણ રજત ચંદ્રક જીત્યો હતો. આ ઉપરાંત, 60 મીટર સ્પર્ધામાં અંડર-20 વર્ગનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તેના નામે છે. આ વર્ષના માર્ચ મહિનામાં ભુવનેશ્વરમાં યોજાયેલી પ્રથમ ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલે 60 મીટર દોડમાં 7.50 સેકન્ડનો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. આ સિદ્ધિએ તેને ભારતની સૌથી પ્રતિભાશાળી યુવા સ્પ્રિન્ટર્સમાં સ્થાન અપાવ્યું છે.

આ પણ વાંચો: પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, એક જ સ્પર્ધામાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ અને ચાર ગોલ્ડ મેડલ જીતનારી ગુજરાતની એકમાત્ર ખેલાડી

શાળાથી સ્પોર્ટ્સની સફર

કાજલની રમતગમતની સફર ગુજરાત રાજ્યના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના સ્કૂલ પ્રોગ્રામથી શરૂ થઈ હતી. ત્યારબાદ વર્ષ 2019માં તે કોડીનાર સ્થિત જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)માં જોડાઈ, જ્યાં તેની પ્રતિભાને વ્યવસ્થિત રીતે ઘડવામાં આવી. તેની ક્ષમતાને ઓળખીને 2023માં તેની પસંદગી નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર (HPC) માટે કરવામાં આવી હતી, જ્યાં તે હાલમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન મેળવી રહી છે.

આ જ ચેમ્પિયનશિપમાં ગુજરાતના અન્ય એક ખેલાડી અને વાપીના વતની રાહુલ જાખરે ડેકાથ્લોનમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે.