Get The App

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ 1 - image

Jetalpur Swaminarayan Temple 200th Anniversary: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે નિર્માણ કરેલા નવ મંદિરો પૈકીના મૂર્ધન્ય સમાન જેતલપુરધામમાં અત્યારે ઉત્સવનો માહોલ છે. રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'દ્વિશતાબ્દી પાટોત્સવ'માં આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિના અદભૂત દર્શન થયા હતા. આ મહોત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બે ઐતિહાસિક સીમાચિહ્નનો અનોખો યોગ

સ્વાગત પ્રવચન આપતા ભાવી આચાર્ય પ.પૂ. 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજે એક મહત્વપૂર્ણ સંયોગ ટાંકતા જણાવ્યું હતું કે, "આજે જ્યારે જેતલપુરધામના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પણ 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સૌભાગ્યની વાત છે. જેતલપુર મંદિર અને સંઘ બંને દાયકાઓથી હિન્દુત્વની જાગૃતિ અને સમરસતા માટે કાર્ય કરી રહ્યા છે. જ્યાં સુધી આપણે સનાતન ધર્મને મજબૂત નહીં કરીએ ત્યાં સુધી ભવિષ્ય સુરક્ષિત નથી."

"જુનિયર સિનિયરને મળે તેવી ખુશી મને થઈ રહી છે" - મોહન ભાગવત

હળવી શૈલીમાં હરિભક્તોને સંબોધતા RSS સરસંઘચાલક મોહન ભાગવતજીએ કહ્યું હતું કે, "એક જુનિયરને સિનિયરને મળીને જે આનંદ થાય તેવો જ અનુભવ આજે મને થઈ રહ્યો છે. જે કાર્ય કરવામાં સંઘને 100 વર્ષ થયા, તે જ કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષથી કરી રહ્યો છે. ધર્મ હંમેશા જોડવાનું કામ કરે છે, તોડવાનું નહીં."

તેમણે સામાજિક સમરસતા પર ભાર મૂકતા ઉમેર્યું કે, "ભગવાનના સર્જનમાં ઊંચ-નીચ કે ભેદભાવ ક્યાંથી આવ્યા? વ્યવસ્થામાં જ્યારે ભેદની ભાવના ઘૂસે છે ત્યારે સમાજનું નુકસાન થાય છે. આજે આખી દુનિયા ભારત પાસે ઉકેલની અપેક્ષા રાખી રહી છે, અને તે માટે આપણે તૈયાર થવું પડશે. ગુજરાતમાં જે વ્યસનમુક્તિ અને સેવાની સુવાસ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષના પુરુષાર્થનું પરિણામ છે."

અખંડ ભારત એ સત્ય છે: આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ

આભારવિધિ કરતા આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, "સ્વામિનારાયણ સંપ્રદાય અને સંઘ પરિવાર - બંનેના લક્ષ્ય એક જ છે. અખંડ ભારત એ માત્ર સપનું નથી પણ સત્ય છે. આજે વિદેશમાં ભારતીયોને જે સન્માન મળે છે તેની પાછળ સંઘ પરિવારની ત્રણ પેઢીઓનું બલિદાન, ત્યાગ અને જાગૃતિ છે. આપણી ઉન્નતિ અને વિશ્વશાંતિ માત્ર ધર્મના માધ્યમથી જ શક્ય છે."

આ પણ વાંચો: અમદાવાદ: સુભાષબ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે આઠ લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ

આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ, સરકારના મંત્રી, પૂર્વ મંત્રીઓ તેમજ સંઘના ક્ષેત્રીય પ્રચારકો સહિત અનેક સંતો-મહંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, આ મહોત્સવ આગામી 11 માર્ચ 2026 (ફાગણ વદ આઠમ) સુધી ધામધૂમથી ચાલશે.