Get The App

જામજોધપુર નજીક સમાણા રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર નરમાણા ગામના યુવાનનું કરુણ મૃત્યુ

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
જામજોધપુર નજીક સમાણા રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર નરમાણા ગામના યુવાનનું કરુણ મૃત્યુ 1 - image


Jamnagar News: જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સમાણા રોડ પર પુરઝડપે દોડતી કારે બાઈકને અડફેટે લેતાં નરમાણા ગામના એક મુસ્લિમ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાની ગાડી લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.

ક્યાં અને કેવી રીતે સર્જાયો અકસ્માત?

પોલીસ ફરિયાદ અનુસાર, આ અકસ્માત તા. 18 મે 2026 ના રોજ બપોરે આશરે દોઢ વાગ્યાની આસપાસ સર્જાયો હતો. સમાણા ગામથી નરમાણા ગામ તરફ જવાના રસ્તે આવેલા સુરાપુરા દાદાના મંદિર પાસેની ગોલાઈ (વળાંક) નજીક આ કરુણ ઘટના બની હતી. એક કાળા કે સફેદ રંગની એમ.જી. હેક્ટર (MG Hector) કાર જેનો નંબર GJ-03-LM-5085 છે, તેના ચાલકે પોતાની કાર પૂરઝડપે, બેફીકરાઈ અને ગફલતભરી રીતે હંકારીને સામેથી આવી રહેલા બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

આ પણ વાંચો : 'રોમમાં તમારું સ્વાગત છે...' ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

યુવાને ગુમાવ્યો જીવ

મૃતકનું નામ સલીમભાઈ ખલીફા (રહે. નરમાણા ગામ) છે. અકસ્માત એટલો ભયંકર હતો કે સલીમને માથાના ભાગે ગંભીર ફ્રેક્ચર અને અન્ય આંતરિક ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મૃતકના સંબંધી અસલમ ગનીભાઈ ખલીફા દ્વારા આ અંગે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ કાર્યવાહી અને નવો કાયદો

અકસ્માત સર્જીને નાસી ગયેલા કારચાલક વિરુદ્ધ શેઠવડાળા પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં કડક કાનૂની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS) ની કલમ 106(1) [બેદરકારીથી મોત], 125(એ) અને 125(બી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ હાલમાં અકસ્માત સર્જનાર એમ.જી. હેક્ટર કારના માલિક અને ચાલકને પકડવા માટે આસપાસના સીસીટીવી (CCTV) અને બાતમીદારોની મદદથી વધુ તપાસ ચલાવી રહી છે.