Get The App

જામનગરમાં ફાયર તંત્ર લાલઆંખ: નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, ફાયર NOC અને BU સર્ટિફિકેટનું બોર્ડ મારવું ફરજિયાત

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ફાયર તંત્ર લાલઆંખ: નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, ફાયર NOC અને BU સર્ટિફિકેટનું બોર્ડ મારવું ફરજિયાત 1 - image

Jamnagar News: જામનગર શહેરમાં અગ્નિસુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે જામનગર મહાનગરપાલિકા (મનપા) દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મનપાના નવનિયુક્ત કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગ, TPO શાખા અને એસ્ટેટ શાખાની સંયુક્ત ટીમો દ્વારા છેલ્લા એક મહિનાથી સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં નિયમોનું ઉલ્લંઘન કરતી વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટોને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ મનપાએ સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે તમામ વ્યાવસાયિક એકમોના પ્રવેશદ્વાર પર ફાયર NOC અને BU સર્ટિફિકેટની વિગતો દર્શાવતું સાઇનબોર્ડ લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે.

ત્રણ દિવસના ચેકિંગમાં 15 એકમો સીલ

હાઈવે વિસ્તાર બાદ હવે મનપાની સંયુક્ત ટીમોએ જામનગરના મધ્ય વિસ્તારોમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટો પર ચેકિંગનો દોર શરૂ કર્યો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં 35થી વધુ હોટલ-રેસ્ટોરન્ટોમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 15 જેટલા એકમો પાસે ફાયર NOC ન હોવાનું અને જરૂરી મંજૂરીઓનો અભાવ હોવાનું સામે આવતા તેને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા હતા. જો કે, બાદમાં સંચાલકો પાસેથી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બાંહેધરીપત્ર મેળવી, પ્રક્રિયા શરૂ કરવાની શરતે 15 દિવસની મુદત આપીને કામગીરી ફરી શરૂ કરવાની હંગામી મંજૂરી અપાઈ છે.

આ પણ વાંચો: જામનગર: જામજોધપુરના ગોરખડી ગામે નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડો, બે આરોપીની ધરપકડ


હાઈવે પર બેદરકારી બદલ ફરી સીલ

અભિયાનના પ્રથમ તબક્કામાં હાઈવે પરની 85 હોટલોની તપાસમાં 24 એકમો સીલ કરાયા હતા. જેમને બાંહેધરીના આધારે 15 દિવસનો સમય અપાયો હતો. આ સમયમર્યાદા પૂર્ણ થતાં ફરી તપાસ કરતા 5 હોટલ-રેસ્ટોરન્ટોએ કોઈ જ પ્રક્રિયા શરૂ ન કરી હોવાનું ખુલતા આ પાંચેય એકમોને મનપાએ ફરીથી સીલ કરી દીધા છે.

મહાનગરપાલિકાની ફાયર શાખાના અધિકારી અનવર ગજ્જણે સ્પષ્ટ કર્યું છે કે, આ ચેકિંગ સતત અને અવિરત ચાલુ રહેશે. જો આગામી દિવસોમાં પણ ખામીઓ જણાશે તો સીલ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રાહકોની સુરક્ષા માટે નવો નિયમ

અગ્નિસુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે મહાનગરપાલિકાએ તમામ હોટલ, રેસ્ટોરન્ટ, કેફે, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ, ફૂડ કોર્ટ અને કોમર્શિયલ સંસ્થાઓના સંચાલકોને એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. દરેક સંસ્થાએ પોતાના ધંધાના મુખ્ય પ્રવેશદ્વાર (સ્ટોરફ્રન્ટ) બહાર ઓછામાં ઓછું 3 ફૂટ x 3 ફૂટના કદનું માહિતીપ્રદ સાઇનબોર્ડ ફરજિયાત લગાવવાનું રહેશે. સાઇનબોર્ડમાં સંસ્થાનું નામ, માલિકનું નામ, ફાયર એન.ઓ.સી. (NOC) નંબર, ફાયર NOCની માન્યતા તારીખ, બી.યુ. (BU - બિલ્ડિંગ યુઝ) સર્ટિફિકેટ નંબર તથા તેની માન્યતા સંબંધિત વિગતો સ્પષ્ટ અક્ષરે લખવાની રહેશે.

આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકો કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં પ્રવેશતા પહેલા જ જાણી શકે કે તે સ્થળ સુરક્ષિત છે કે નહીં. ભવિષ્યમાં જ્યારે પણ ફાયર NOC કે અન્ય મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારે આ સાઇનબોર્ડ લગાવેલું હશે તો જ મંજૂરીની ફાઈલ આગળ વધારવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાએ તમામ સંચાલકોને જાહેર હિતમાં આ સૂચનાનું તાત્કાલિક પાલન કરવા અપીલ કરી છે.