Get The App

જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ 1 - image


JamnagarDog Abuse News: જામનગર શહેરમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાંથી શ્વાનને નીચે ફેંકી દેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગુનાઈત કૃત્ય આચર્યા બાદ પણ આરોપીની ક્રૂરતા અટકી નહોતી, તેણે એક ગલુડિયાને બેટ ફટકારીને એક પગ ભાંગી નાખ્યો હતો.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના એપાર્ટમેન્ટના પહેલા માળેથી શ્વાનને નીચે ફેંકી દેવાનો વીડિયો વાઈરલ થયો હતો. આ ઘટનાની જાણ શ્વાન ફેંકનાર આરોપી 'પપ્પુ'ને થતાં જ તે ગભરાઈ ગયો હતો. તેણે સૌપ્રથમ પોતાના મળતીયાઓ સાથે મળીને ઇજાગ્રસ્ત શ્વાનને ક્યાંક દૂર ફેંકી દેવાનો કારસો ઘડ્યો હતો. આ માટે તેણે એક કાર મંગાવી હતી અને પકડાઈ ન જવાય તે માટે કારની આગળ અને પાછળની બંને નંબર પ્લેટ ઉપર કાળી ટેપ મારી દીધી હતી.

આરોપીઓ ઇજાગ્રસ્ત શ્વાનને કારમાં બેસાડીને અન્ય કોઈ અવાવરૂ સ્થળે ફેંકવા જઈ રહ્યા હતા, પરંતુ તે જ સમયે બાતમી મળતાં કેટલાક સ્થાનિક પશુ પ્રેમીઓ ત્યાં એકત્ર થઈ ગયા હતા. પશુ પ્રેમીઓએ કારને ચારેય તરફથી ઘેરી લીધી હતી અને આરોપીઓના ચુંગાલમાંથી ઇજાગ્રસ્ત શ્વાનને સુરક્ષિત રીતે બચાવી લીધું હતું.

ગલુડિયા પર બેટથી હુમલો

આરોપી પપ્પુની ક્રૂરતાની હદ તો ત્યારે વટાઈ જ્યારે જાણવા મળ્યું કે, જે ઇજાગ્રસ્ત શ્વાનને તેણે ઉપરથી ફેંકી હતી, તેના ગલુડિયા પર પણ તેણે બેટ વડે ફટકાર્યું હોવાથી તેનો એક પગ ભાંગી ગયો હતો અને તે ઘટનાસ્થળે દર્દથી કણસતું પડ્યું રહ્યું હતું.

સ્થળ પર હાજર પશુ પ્રેમીઓએ તાત્કાલિક તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગલુડિયાને સારવાર માટે સ્થાનિક એનજીઓ (NGO)ના સેન્ટર ખાતે ખસેડ્યું હતું. જ્યાં તબીબો દ્વારા ગલુડિયાના પગનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હાલ તેને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે. આ સમગ્ર શરમજનક મામલે પશુ પ્રેમીઓની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે ‘પપ્પુ’ નામના શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.