Get The App

જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં 'અમૂલ્ય વારસો' ચણી દેવાયો, નિયમોનો ભંગ

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં 'અમૂલ્ય વારસો' ચણી દેવાયો, નિયમોનો ભંગ 1 - image

Jamnagar News: જામનગરની શાન અને 400 વર્ષ જૂના ઈતિહાસના સાક્ષી એવા ભુજીયા કોઠાને લાંબા સમયના ઈંતજાર બાદ લોકો માટે ખુલ્લો તો મૂકવામાં આવ્યો છે, પરંતુ આ રેસ્ટોરેશન પ્રોજેક્ટ હવે વિવાદોના વમળમાં ફસાયો છે. 25 કરોડ રૂપિયાના માતબર ખર્ચ અને 4 વર્ષની જહેમત બાદ તૈયાર થયેલા આ ઐતિહાસિક સ્મારકમાં પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની વિગતો બહાર આવતા હેરિટેજ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મુખ્ય વિવાદિત મુદ્દાઓ

પ્રાચીન શિલ્પોની અવદશા થઇ છે. ભુજીયા કોઠાની વર્તુળાકાર ગેલેરીમાં આવેલા પ્રાચીન શિલ્પોને નવી દીવાલોમાં આંશિક રીતે ચણી લેવામાં આવ્યા છે. સ્મારકમાં ભારતીય ગજ-સિંહ શૈલીને બદલે પૂર્વીય એશિયન અથવા ચાઈનીઝ શૈલીના પાંખવાળા સિંહનું ચિત્ર દોરવામાં આવ્યું છે, જે સ્થાનિક કલાશૈલી સાથે સુસંગત નથી. નકલી બ્રિક પેટર્ન પણ જોવા મળી છે. અસલી પથ્થરોને છુપાવી તેના પર આધુનિક બ્રિક સ્ટાઇલ પેટર્ન (નકલી ઈંટો જેવી ભાત) લગાવી દેવામાં આવી છે. માહિતીમાં ગંભીર ભૂલો સામે આવી છે. ભુજીયો કોઠો ૫ માળની ઇમારત હોવા છતાં તંત્રના બોર્ડમાં તેને માત્ર 2 માળની ઇમારત દર્શાવવામાં આવી છે. ભૂકંપ પછી લેવાયેલી તસવીરોમાં દેખાતા અનેક શિલ્પો અને અવશેષો અત્યારે ક્યાં છે તેનો તંત્ર પાસે સ્પષ્ટ જવાબ નથી.

જામનગરની ઓળખ સમાન 400 વર્ષ જૂના ભુજીયા કોઠાનું 25 કરોડ રૂપિયાના ખર્ચે રેસ્ટોરેશન કરવામાં આવ્યું, પણ પરિણામ જોઈને ઇતિહાસકારો અને કલાપ્રેમીઓ સ્તબ્ધ છે. આક્ષેપ છે કે રેસ્ટોરેશનના નામે સ્મારકની અસલી ઓળખ ભૂંસી નાખવામાં આવી છે અને તેને એક આધુનિક 'થીમ પાર્ક' જેવો દેખાવ આપી દેવાયો છે.

આ પણ વાંચો: છેલ્લી ઓવરમાં 11 રન ના કરી શકતા GT સતત બીજી મેચ હારી, RRના તુષાર દેશપાંડેએ રંગ રાખ્યો

વિવાદોનું કેન્દ્ર શું બદલાઈ ગયું?

રેસ્ટોરેશન પ્રોજેક્ટમાં પુરાતત્વ વિભાગના મૂળભૂત નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સ્મારકની અસલી દીવાલો અને દુર્લભ પથ્થરો પર નકલી ઈંટો જેવી બ્રિક પેટર્ન લગાવી દેવાઈ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અહીંની પ્રાચીન ગેલેરીના અમૂલ્ય શિલ્પોને સાચવવાને બદલે નવી દીવાલોમાં અડધા ચણી દેવામાં આવ્યા છે.

ભારતીય કલાની જગ્યાએ ચાઈનીઝ સિંહ!

જામનગરની આગવી કલાશૈલીમાં હંમેશા ગજ-સિંહ (હાથી અને સિંહનું મિશ્રણ) જોવા મળે છે, પરંતુ નવા નિર્માણમાં પાંખવાળા સિંહના ચિત્રો જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોના મતે આ શૈલી ભારતીય નહીં પણ ચાઈનીઝ કે પૂર્વીય એશિયન છે. ઐતિહાસિક સ્મારકમાં આવી પરદેશી શૈલી થોપવી તે ઇતિહાસ સાથેની છેડછાડ સમાન છે.

ગંભીર બેદરકારીના નમૂના

માળની ગણતરીમાં ગોબાચારી કરવામાં આવી છે. ઇમારત 5 માળની છે, પણ તંત્રના રેકોર્ડમાં તેને માત્ર 2 માળની જ દર્શાવાઈ છે. નિર્માણ વર્ષમાં વિસંગતતા જોવા મળી. ઇતિહાસના પુસ્તકો મુજબ નિર્માણ 1826 થી 1839 વચ્ચે થયું હતું, જ્યારે તંત્રના બોર્ડમાં 1852 લખાયેલું છે. ગાયબ થયા અવશેષો, અનેક પ્રાચીન શિલ્પો અને કલાકૃતિઓ ક્યાં ગઈ? શું તે ચોરી થઈ છે કે ખસેડવામાં આવી છે? તંત્ર પાસે આનો કોઈ જવાબ નથી. શું આ આધુનિકીકરણ છે કે ઇતિહાસનું અપમાન? જામનગરના પ્રબુદ્ધ નાગરિકો હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને નિષ્ણાતોની સલાહ લઈને ભૂલો સુધારવાની માંગ કરી રહ્યા છે.