ઈઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel-Iran War Impact: કોમર્શિયલ ગેસના પૂરવઠાની અછત સર્જાતા હોટલ-રેસ્ટોરન્ટ, કેટરિંગ ઉદ્યોગની મુશ્કેલી વધી છે. જ્યારે પ્રોપેન ગેસની અછત સર્જાતાં સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. મહેસાણા સહિત અન્ય ડેરી પ્લાન્ટમાં અપાતાં ગેસ પુરવઠામાં 40 ટકાનો કાપ મૂકાયો છે, ત્યારે ડેરી પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ હવે ડેરી ઉદ્યોગને પણ નડે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે.
મિલ્ક પાવડરનું ઉત્પાદન ઘટી જાય તેવી ભીતિ
ઈરાન સામે ઇઝરાયલ-અમેરિકાના યુદ્ધની અસર હવે ગુજરાત પર જોવા મળી રહી છે જેમકે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને લીધે હોટલ-ખાણીપીણી વ્યવસાય સામે જોખમ ઊભું થયું છે. તેમાં ગેસ સિલિન્ડર નોંધાવવાના સમયમાં વધારો કરાતા લોકોમાં રાંધણ ગેસના બાટલા નહીં મળે તેવો ડર ઊભો થયો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ વણસી રહ્યું છે, ત્યારે મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં 40 ટકાનો કાપ મૂકાશે તેવું જાણવા મળ્યું છે. ડેરી પ્લાન્ટમાં દૂધ પ્રોસેસિંગ માટે હવે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા માટે પણ તૈયારી કરાઈ છે. જોકે, ગેસની અછત ઊભી થાય તો ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેમ છે. આ ઉપરાંત ડેરી પ્લાન્ટ બંધ પડે તો, મિલ્ક પાવડરના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો: યુદ્ધની સ્થિતિ વચ્ચે શિપિંગ કંપનીઓએ ભાડાં વધારતાં નિકાસ માટે તૈયાર 300 કન્ટેનર અટવાયાં
આ બાજુ, પ્રોપેન ગેસની સપ્લાય બંધ થવા સિરામિક સહિત અન્ય ઉદ્યોગોએ તાળા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર મોરબીમાં જ સિરામિકની 100થી વધુ ફેક્ટરીઓ બંધ પડી છે. પરિસ્થિતિને જોતાં ઉત્પાદન ઠપ થયું છે. ત્યારે રાજ્ય સરકારે પણ પ્રોપેન ગેસ વાપરતા ઉદ્યોગોએ હાલ પૂરતો એક મહિના સુધી ઉત્પાદન બંધ રાખવા અભિપ્રાય માંગ્યો છે. ગેસની અછતને લઈને સિરામિક ઉદ્યોગકારો ગાંધીનગર દોડી આવ્યા હતાં. તેમના પ્રતિનિધી મંડળે મુખ્યમંત્રીને મળીને ગેસ સંબધિત રજૂઆત કરી હતી.
શાપર-વેરાવળના ઉદ્યોગકારોએ પણ ગાંધીનગરમાં સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે, કાસ્ટિંગ અને ફોર્જિંગ જેવા ગેસ આધારિત ઉદ્યોગો મુશ્કેલીમાં મૂકાયા છે. હવે 600થી વધુ એકમો બંધ કરવા પડે તેવી સ્થતિ સર્જાઈ છે. જો ગેસમાં કાપ મૂકાશે તો, ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. સાથે સાથે હજારો કામદારોની રોજીરોટી સામે જોખમ તોળાઈ રહ્યું છે.









