Get The App

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ₹1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા કરાવવા હુકમ

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ₹1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા કરાવવા હુકમ 1 - image

ISKCON Bridge Accident Case: અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી આરોપી તથ્ય પટેલને મોટી રાહત આપવામાં આવી છે. જુલાઈ 2023માં મધરાતે પૂરપાટ ઝડપે કાર હંકારી 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. જોકે, જેલમાંથી બહાર આવતા પહેલા તથ્ય પટેલે કોર્ટમાં 1 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. સાબરમતી જેલમાં આશરે પોણા ત્રણ વર્ષનો લાંબો જેલવાસ ભોગવ્યા પછી હવે તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે. 

જેલમુક્ત થવા માટે 1 કરોડની કોર્ટે શરત મૂકી! 

મળતી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટમાંથી ભલે તથ્ય પટેલને જામીન મળી ગયા હોય, પરંતુ તેની જેલમુક્તિ આસાન નથી અને તેની સામે એક મોટો પડકાર આવીને ઊભો રહ્યો છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલની જેલમુક્તિ માટે એક ખૂબ જ આકરી શરત મૂકી હતી. કોર્ટના આદેશ અનુસાર, તથ્ય પટેલે અમદાવાદની ટ્રાયલ કોર્ટમાં 1 કરોડ રૂપિયા ડિપોઝિટ (જમા) કરાવવી પડશે. 15 દિવસ સુધીમાં 1 કરોડ રૂપિયાની રકમ કોર્ટમાં જમા થયા બાદ જ તથ્ય પટેલ સાબરમતી જેલમાંથી મુક્ત થઈ શકશે.

ચાર્જફ્રેમ કરવામાં લાગ્યા હતા 853 દિવસ

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની કાનૂની પ્રક્રિયામાં તથ્ય પટેલ સામે ચાર્જફ્રેમ (તહોમતનામું) ઘડવામાં જ 853 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હતો. સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ અને ચાર્જફ્રેમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જામીન માટેની કાનૂની લડત આગળ વધી હતી. અગાઉ, સુપ્રીમ કોર્ટે કેસના મુખ્ય સાક્ષીઓની જુબાની ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.

3 મહિનામાં 28 સાક્ષીઓની જુબાની લેવાઈ

સુપ્રીમ કોર્ટના કડક વલણના પગલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સુનાવણી ઝડપી બનાવી હતી અને રૅકોર્ડબ્રેક સમયમાં કુલ 28 સાક્ષીઓની જુબાની તેમજ ઉલટ તપાસની પ્રક્રિયા પૂરી કરી લીધી હતી. આ કેસની વિગતવાર અહેવાલ તપાસનીશ અધિકારી દ્વારા એફિડેવિટ (સોગંદનામા) મારફતે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. આ તમામ પાસાંઓની સુનાવણી બાદ આખરે સુપ્રીમ કોર્ટે શરતોને આધીન જામીનનો આદેશ આપ્યો છે.

શું હતી ઘટના?

19મી જુલાઈ, 2023ની રાત્રે આરોપી તથ્ય પટેલે જગુઆર કાર દ્વારા ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે IPC 279, 337, 338, 304, 308 અને મોટર વ્હિકલ ઍક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.