- સુરતમાં ધમકી મળતા તંત્ર એલર્ટ મોડમાં
- કચેરીના તમામ રૂમો, ગેલેરી, ટેરેસ સહિતના સ્થળોએ તપાસ કરાઇ પણ કંઇ શંકાસ્પદ ન મળ્યું
નડિયાદ : સુરતની મુખ્ય પાસપોર્ટ કચેરીને નિશાન બનાવીને અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા મેલને પગલે ગુજરાત પોલીસ હાઈએલર્ટ પર છે, જેના ભાગરૂપે નડિયાદ પાસપોર્ટ ઓફિસમાં પણ બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા કલાકો સુધી તપાસનો ધમધમાટ થયો હતો.
રાજ્યની સુરત સ્થિત પાસપોર્ટ હેડ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતા જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. નડિયાદમાં આવેલી પાસપોર્ટ કચેરી ખાતે પણ ખેડા જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તમામ વિભાગોમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસની તપાસ અને સઘન ચેકિંગને કારણે પાસપોર્ટની કામગીરી માટે આવેલા અરજદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
નડિયાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાસપોર્ટ કચેરીના તમામ રૂમ, રેકોર્ડ રૂમ, ગેલેરી અને ટેરેસ સહિતના વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના ખૂણેખૂણા ફેંદી મારવામાં આવ્યા હતા અને કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળે તે માટે સતર્કતા દાખવવામાં આવી હતી. પોલીસ દ્વારા માત્ર કચેરીના અંદરના ભાગે જ નહીં પરંતુ પાકગ એરિયામાં ઉભેલા વાહનો તેમજ આસપાસની ખુલ્લી જગ્યાઓમાં પણ તપાસ કરવામાં આવી હતી. કચેરીમાં પ્રવેશતા દરેક મુલાકાતીની પૂછપરછ અને શારીરિક તપાસ કર્યા બાદ જ અંદર જવા દેવામાં આવતા હતા. આ ધમકી પાછળ કોઈ અસામાજિક તત્વોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે. જોકે પ્રાથમિક તપાસમાં ક્યાંયથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઈ-મેઇલના મૂળ સુધી પહોંચવા કવાયત
સુરત પાસપોર્ટ ઓફિસને મળેલી ધમકીના મામલે સાયબર ક્રાઈમની ટીમ ટેકનિકલ પાસાઓ પર કામ કરી રહી છે. આ ઈ-મેલ કયા લોકેશનથી અને કઈ લિંક દ્વારા મોકલવામાં આવ્યો છે તેની કડીઓ મેળવવા માટે આઈપી એડ્રેસ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. ટેકનિકલ એક્સપર્ટ્સ દ્વારા આ મેલ જે સર્વર પરથી મોકલાયો છે તેની વિગતો એકત્રિત કરી આરોપી સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


