Gujarat

બનાસકાંઠાના સાત સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર સઘન સુરક્ષા ગોઠવાશે

By GS Team
5 Mar 20203 mins read
This article was originally published on 5 Mar 2020
બનાસકાંઠાના સાત સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર સઘન સુરક્ષા ગોઠવાશે

પાલનપુર, તા. 04 માર્ચ 2020, બુધવાર

 બનાસકાંઠા-પાટણ જિલ્લામાં તા. ૫ મી માર્ચથી શરૃ થતી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભય બનીને પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી તેવા ૧૬૪ બ્લોકમાં  ટેબ્લેટથી પરીક્ષા પર વોચ રાખવામાં આવશે તેમજ બનાસકાંઠા જિલ્લામાં નવ સંવેદનશીલ કેન્દ્રો પર અનિચ્છનીય બનાવો રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા તા. ૫મી માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડની પરીક્ષા યોજવામાં આવી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૯૨.૬૨૮ અને પાટણ જિલ્લામાં ૪૦.૦૩૪ મળીને કુલ ૧,૩૨,૬૬૨ વિદ્યાર્થીઓ ધો. ૧૦, ૧૨ બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની બાજ નજર રખશે અને જે બ્લોકમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી તેવા બનાસકાંઠાના ભાભર, વાવ, શિહોરી અને કોટડા છ બિલ્ડીંગના ૯૩ બ્ક તેમજ પાટણ જિલ્લાના ૭૧ બ્લોકમાં ટેબ્લેટથી પરીક્ષાનું મોનીટરીંગ કરવામાં આવશે. જોકે બનાસકાંઠામાં દાંતા, વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના નવ પરીક્ષા કેન્દ્રો સંવેદનશીલ હોઈ આ કેન્દ્રો પર ગેરરીતિઓ તેજમ અનિચ્છનીય બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર દીઠ ૩ પુરુષ,૧ મહિલા પોલીસ, ૨ હથિયારધારી પોલીસ અને ૩ હોમગાર્ડ જવાનની ટીમ તૈનાત કરવામાં આવશે તેમજ આ કેન્દ્ર પર પીએસઆઈ તેમજ પ્રાંત અધિકારી અને મામતદાર કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે. જોકે બનાસકાંઠા પાટણમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને પારદર્શક રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

ધો. ૧૦-૧૨ ના ૯૯ હજાર વિદ્યાર્થીઓ

બનાસકાંઠામાં ધોરણ ૧૦માં ૫૯ કેન્દ્રોના ૧૭૫ બ્લોકમાં ૬૦,૦૮૨ છાત્રો જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૧ કેન્દ્રોના ૯૧૮ બ્લોકમાં ૨૭,૯૮૨ છાત્રો પરીક્ષા આપશે તેમજ ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહના કુલ ૧૯ પરીક્ષા સ્થળોના ૨૩૪ બ્લોકમાં ૩,૮૩૩ છાત્રો પરીક્ષામાં બેસનાર છે.

અંબાજીમાં બોર્ડના પરીક્ષાર્થીઓને વિનામૂલ્યે ભોજન અપાશે

તા. ૫-૩-૨૦૨૦ને ગુરુવારથી શરૃ થતી ધો. ૧૦-૧૨ બોર્ડની પરીક્ષામાં અંબાજીના ેકન્દ્રો પર પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સામાજિક અને શૈક્ષણિક સેવાના ભાગરૃપે તમામ પરીક્ષાર્થીઓ માટે વિનામૂલ્યે ભોજન આપવામાં આવશે. જેમાં પરીક્ષાર્થીને પોતાની રીસીપ્ટ બતાવવાની રહેશે.

દરેક સંવેદનશીલ કેન્દ્રો પર નવ સુરક્ષા જવાનો તૈનાત કરાશે

 દાંતા, વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના નવ પરીક્ષા કેન્દ્રો સંવેદનશીલ હોઈ આ કેન્દ્રો પર અનિચ્છનિય બનાવોને રોકવા માટે દરેક પરીક્ષા કેન્દ્ર દીઠ ૩ પુરુષ, પોલીસ ૧ મહિલા પોલીસ ૨, હથિયારધારી પોલીસ અને ૩ હોમગાર્ડ જવાનોની ટીમ તૈનાત કરવામાં આવશે તેમજ આ કેન્દ્ર પર પીએસઆઈ સુપરવિઝન કરશે.

સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો

૧.      આદર્શ નિવાસી શાળા-  દાંતા

૨.      સરભવાનીસિંહ વિદ્યાલય,        દાંતા યુનિટ ૧ અને ૨

૩.      મહેતા એન. એસ.       વિનય મંદિર વાવ યુનિટ ૧ અને ૨

૪.      ગાયત્રી વિદ્યાલય       વાવ

૫.      મોડેલ સ્કૂલ     વાય યુનિટ ૧ અને ૨

૬.      શ્રી મહર્ષિ કણાદ ગુરુકુળ વિદ્યાલય      સુઈગામ

૭.      કે.પી. ત્રિવેદી   વિદ્યાનિકેતન, સુઈગામ

૮.      વિનય મંદિર   થરા

૯.      ઓગડ વિદ્યામંદિર      થરા