- કલેક્ટરને લેખિત ફરિયાદ બાદ તપાસના આદેશ
- પ્રોબેટ ધરાવતા વારસદારની જમીન ઉપર બિનખેતીની મંજૂરી વિના કોમશયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યું
નડિયાદ : ખેડા જિલ્લાના માતર તાલુકાના રતનપુર ગામમાં એક વૃદ્ધ અને નિરાધાર અરજદારની માલિકીની કરોડોની જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદે કબજો જમાવી વ્યાપારી સંકુલ ઉભું કરી દીધું હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
રતનપુરના રહીશ રમણભાઈ મોતીભાઈ વાઘેલાએ કલેક્ટરને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના માસી સુરજબેન વાઘેલાએ ૧૯૯૯માં રજિસ્ટર્ડ વિલ કરીને રતનપુરની સીમના સર્વે નંબર ૧૫૨, ૨૪૭/અ અને ૫૦૦ વાળી જમીનો તેમજ ગ્રામ પંચાયતની મિલકતો તેમને વારસામાં આપી હતી. સુરજબેનના અવસાન બાદ કોર્ટે પણ આ મિલકતો માટે પ્રોબેટ મંજૂર કર્યું છે. આમ છતાં, સ્થાનિક શખ્સ સફીમિયાં મહેમુદમિયાં મલેક અને તેના મળતિયાઓએ આ જમીન પર ગેરકાયદે પ્રવેશ કરી દબાણ શરૂ કર્યું હતું, તેવો રજૂઆતમાં આક્ષેપ કરાયો છે. આક્ષેપો મુજબ, આ શખ્સોએ ખેતીવિષયક ઓરડી મંજૂર કરાવવાના બહાને ગ્રામ પંચાયતમાંથી ખોટા ઠરાવો કરાવીને જમીન પર 'ફિરદોશ ફાર્મ હાઉસ' નામનું કોમર્શિયલ બાંધકામ ખડકી દીધું છે. નવાઈની વાત એ છે કે, આ બાંધકામ માટે કલેક્ટર કચેરીની કોઈ બિનખેતીની પરવાનગી લેવામાં આવી નથી. આ ગેરકાયદે ફાર્મ હાઉસ ભાડે આપીને કમાણી કરવામાં આવી રહી છે. અરજદારે જ્યારે આ બાંધકામ અટકાવવા પ્રયાસ કર્યો ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી, તેવા આક્ષેપો રજૂઆતમાં કરાયા છે. લાંબા સમયથી સ્થાનિક અધિકારીઓ આ મામલે આંખ આડા કાન કરતા હોવાથી અંતે કલેક્ટર સમક્ષ ધા નાખવામાં આવી છે. ત્યારે કલેક્ટર દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
જૂની શરતની જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ
સામાન્યતઃ જૂની શરતની જમીન ખેતી માટે હોય છે. ત્યારે આ જમીન મામલે ભૂમાફિયાઓ દ્વારા જૂની શરતની જમીનમાં મંજૂરી વિના બાંધકામો કરી દીધા છે અને આ બાંધકામને પાર્ટીપ્લોટ તરીકે ડેવલપ કરી અને ખેતીલાયક જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે પણ તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે.
તંત્ર સામે સવાલ
રતનપુરા ગ્રામ પંચાયત દ્વારા વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૪માં જે ઠરાવો કરવામાં આવ્યા તે શંકાના દાયરામાં છે. કોઈપણ જાતની ટેકનિકલ ચકાસણી કે હક્ક પત્રકની ખરાઈ કર્યા વિના ભૂમાફિયાઓને બાંધકામ કરવા માટે કેવી રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું તે તપાસનો વિષય છે. હવે તંત્ર શું કાર્યવાહી કરે છે, તેની પર નજર ટકેલી છે.


