Get The App

અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત, જબલપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
Indigo flight emergency landing
IMAGE - IANS)

Indigo flight emergency landing: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રાંચી જવા રવાના થયેલી ઇન્ડિગોની ફ્લાઈટમાં એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. ફ્લાઈટ દરમિયાન હવામાં જ એક 29 વર્ષીય યુવકની તબિયત અચાનક લથડતાં વિમાનનું મધ્ય પ્રદેશના જબલપુર એરપોર્ટ પર કટોકટીની સ્થિતિમાં (ઈમરજન્સી) લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. એરપોર્ટ પ્રશાસને યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે વિમાનના મુસાફરોમાં પણ થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.

અમદાવાદથી સારવાર કરાવીને બહેન સાથે પરત ફરી રહ્યો હતો યુવક

મળતી માહિતી મુજબ, મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ રાંચીમાં રહેતો 29 વર્ષીય સુદીપ કુમાર ગૌનિશ ફેફસાં (લંગ્સ) ની ગંભીર બીમારીથી પીડિત હતો. તે પોતાની બહેન સાથે ફેફસાંની સારવાર કરાવવા માટે જ અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં ડૉક્ટરોને બતાવીને તે શુક્રવારે સવારે 11:15 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઈટ (એરબસ 320) દ્વારા રાંચી જવા માટે રવાના થયો હતો, જે બપોરે 1:25 વાગ્યે રાંચી પહોંચવાની હતી.

આકાશમાં જ શ્વાસ રૂંધાવા લાગ્યો અને પાયલટે લીધો મોટો નિર્ણય

વિમાન જ્યારે મધ્ય પ્રદેશના જબલપુરના આકાશ ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સુદીપને અચાનક શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગી હતી અને તેની સ્થિતિ વધુ બગડી ગઈ હતી. તેની બહેન અને સહ-મુસાફરોએ તરત જ કેબિન ક્રૂ મેમ્બર્સને આ અંગે જાણ કરી તાત્કાલિક તબીબી સહાયની માંગ કરી હતી. સ્થિતિની ગંભીરતાને જોઈને ફ્લાઈટના પાયલટે જબલપુરના ડુમના એરપોર્ટના એટીસી (ATC - એર ટ્રાફિક કંટ્રોલ) નો સંપર્ક સાધ્યો અને બપોરે 1:01 વાગ્યે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

આ પણ વાંચો: ભાજપ સાંસદે જ ઈંધણ અછતની પોલ ખોલી, રૂપાલાએ કહ્યું- 40% જ છે પેટ્રોલ-ડીઝલ...

50 મિનિટ એરપોર્ટ પર ફ્લાઈટ રોકાઈ, રાત્રે યુવકનું મોત

જબલપુર એરપોર્ટના પ્રભારી ડાયરેક્ટર નીરજ ગુડવાનીના જણાવ્યા અનુસાર, વિમાન નીચે ઉતરતાં જ એરપોર્ટ ઓથોરિટી અને એરલાઈન્સે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને દર્દી સુદીપને જબલપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કર્યો હતો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિમાન અન્ય મુસાફરો સાથે આશરે 50 મિનિટ મોડું રાંચી જવા રવાના થયું હતું. બીજી તરફ, હોસ્પિટલમાં ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં મોડી રાત્રે સુદીપે અંતિમ શ્વાસ લીધા હતા. આ દુઃખદ સમાચાર મળ્યા બાદ યુવકના પરિવારજનો રોડ માર્ગે જબલપુરથી રાંચી જવા રવાના થયા છે.