Gujarat

જૂનાગઢમાં મોર્નીંગવોકમાં નીકળેલા ભદ્ર સમાજના ૪૦ લોકો ઝડપાયા

By GS Team
11 Apr 20202 mins read
This article was originally published on 11 Apr 2020
જૂનાગઢમાં મોર્નીંગવોકમાં નીકળેલા ભદ્ર સમાજના ૪૦ લોકો ઝડપાયા

જૂનાગઢ,તા. 11 એપ્રિલ 2020, શનિવાર

જૂનાગઢમાં લોકડાઉન અમલમાં છે છતા આજે સવારે મોર્નીંગ વોકમાં નીકળેલા ભદ્ર સમાજના ૪૦ જેટલા લોકોને પોલીસે પકડી તેની સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૪૪ ફરિયાદ દાખલ કરી ૨૧૩ વ્યક્તિ સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોરોના વાઈરસના  સંક્રમણને અટકાવવા હાલ જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન છે. અને લોકોને ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ છે. તેમ છતા અમુક લોકો સવારે મોર્નીંગ વોકમાં નીકળતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે આજે બી-ડીવીઝન પોલીસ તથા પોલીસ અધિકારીઓએ ઝાંઝરડા રોડ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. અને સવારે મોર્નીંગ વોકમાં નીકળેલા ભદ્ર સમાજના ૪૦ જેટલા શિક્ષીત લોકોને પકડી તેની સામે લોકડાઉનના ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ લોકોને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ ઠપકો આપતા જણાવ્યું હતું કે જો શિક્ષીત અને ભદ્ર સમાજના લોકો નિયમોનું ઉલ્લંઘન કરશે તો અશિક્ષીત લોકોને શું સમજાવવું? એમ કહી કડક ચેતવણી આપી હતી. જેથી પકડાયેલા લોકોએ હવેથી ઘરમાં જ મોર્નીંગ વોક કરવા અને ઘર બહાર નહીં નીકળવા નક્કી કર્યું હતું.

આ ઉપરાંત જૂનાગડ શહેર તથા જિલ્લામાં લોકડાઉન વચ્ચે ઘર બહાર નીકળી રસ્તા પર આંટા મારતા તથા ટોળામાં એકત્ર થયેલા કુલ ૨૧૩ લોકો સામે પણ જાહેરનામા અને લોકડાઉનના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મોં પર માસ્ક નહીં પહેરનાર ૩૨ બેજવાબદારો સામે ગુનો

જૂનાગઢમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા હાલ લોકડાઉન છે. લોકડાઉન દરમ્યાન જીવન જરૂરી વસ્તુ લેવા નીકળતા લોકોએ મોં પર માસ્ક અથવા રૂમાલ બાંધવાનું ફરજીયાત છે. તેમ છતાં અમુક લોકો મોં પર કંઈ બાંધ્યા વિના બહાર નીકળી રહ્યા છે. આજે એલ.સી.બી. પી.આઈ. આર.સી.કાનમીયા સહિતના સ્ટાફ મોં પર માસ્ક બાંધ્યું ન હતું તેવા ૩૨ બેજવાબદાર લોકોને પકડી એ-ડિવીઝનના હવાલે કર્યા હતાં.