Gujarat

જામનગરમાં વ્યાજખોરોએ ફરી માથું ઊંચક્યું, એક યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલ કર્યાની પોલીસ ફરિયાદ

By GS Team
30 Dec 20212 mins read
This article was originally published on 30 Dec 2021
જામનગરમાં વ્યાજખોરોએ ફરી માથું ઊંચક્યું, એક યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલ કર્યાની પોલીસ ફરિયાદ

- બે વ્યાજખોરોએ સાડા ત્રણ લાખ નું ચાર લાખ વ્યાજ વસૂલી લીધા પછી વધુ સાડા સાત લાખ ની માંગણી કરી મોબાઈલ ઝૂંટવી લીધો

જામનગર તા ૩૦, 

જામનગરમાં વ્યાજખોરોએ ફરીથી માથું ઉચક્યું છે અને એક યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલ કરવાનો કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો છે. જામનગરના પુષ્કરધામ સોસાયટી વિસ્તારમાં રહેતા એક યુવાને બે વ્યાજખોરો પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા પછી તેનું ચાર લાખ રૂપિયા જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી દીધા પછી વધુ સાત લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાથી પોલીસે બે વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગતો એવી છે કે જામનગરમાં પુષ્કરધામ સોસાયટીમાં રહેતા અને મૂળ ખીજડીયા ગામના વતની પંકજ વિનોદભાઈ મુંગરા નામના ૩૧ વર્ષના પટેલ યુવાને આજથી બે વર્ષ પહેલા જામનગરમાં એસટી ડેપો વિસ્તારમાં ફાઇનાન્સ ની ઓફિસ ધરાવતા મયુરસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજા પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતા, અને તેનો છેલ્લા બે વર્ષથી વ્યાજ ભરતો હતો. આજ દિન સુધીમાં વ્યાજ સ્વરૂપે ચારેક લાખ રૂપિયા ચૂકવી દીધા હતા, તેમ છતાં પંકજ પાસેથી વ્યાજ સહિત સાડા સાત લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

દરમિયાન તાજેતરમાં પંકજ મુંગરા ને એસટી ડેપો પાસે આવેલી પોતાની ઓફિસે બોલાવી તેને ધોકા વડે માર માર્યો હતો, અને મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. જેથી સમગ્ર મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. અને પોલીસે પંકજ મુંગરાની ફરિયાદના આધારે મયુરસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજા સામે આઈ.પી.સી. કલમ 386,392, 323,504,506-2 તેમજ મની લોન્ડરીંગ એક્ટ ની કલમ 5-4૦-42  મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.