- એક વર્ષથી પ્રશ્ન વણઉકેલ્યો
- ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી : રોગચાળો ફેલાવાની દહેશત સાથે કાયમી ઉકેલની માંગ ઉઠી
કપડવંજ : કપડવંજ નગરપાલિકાના ગોપાલપુરા વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે રહીશોની હાલત કફોડી બની છે. છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં પીવાના પાણીની લાઈન સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થઈને આવતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ બાબતે સ્થાનિકે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી તંત્રની અનઘડ કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ગોપાલપુરા વિસ્તારમાં ગટર લાઈનમાં અવરોધ ઉભો થવાને કારણે વારંવાર ગટરો ઉભરાય છે. પીવાના પાણીની પાઈપલાઈન ગટર લાઈન નજીક હોવાથી, ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી પીવાના પાણીમાં ભળી જાય છે, જે સીધું રહીશોના નળમાં આવે છે. આ દૂષિત પાણીને કારણે વિસ્તારમાં મોટા પાયે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ આ અંગે અનેકવાર જવાબદાર અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રૂબરૂ અને ટેલિફોનિક રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી.
ચોંકાવનારી બાબત એ છે કે, તાજેતરમાં જ્યારે આ વિસ્તારમાં નવો આર.સી.સી. રોડ બનાવવામાં આવ્યો, ત્યારે પણ રહીશોએ લાઈનોના સમારકામ માટે વિનંતી કરી હતી. જોકે, અધિકારીઓએ આ રજૂઆતને નજરઅંદાજ કરી આડેધડ રીતે રોડ બનાવી દીધો હતો. પરિણામે, આજે નવા રોડની નીચે ચાર જગ્યાએ પાણીનું લિકેજ જોવા મળી રહ્યું છે. હવે આ લિકેજ રોકવા માટે નવા બનેલા રોડનું ફરીથી ખોદકામ કરવાની નોબત આવી છે, જેનાથી જનતાના ટેક્સના લાખો રૂપિયાનો ધુમાડો થશે તેવું રહીશો જણાવી રહ્યા છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગટર અને પાણીની લાઈનનું કાયમી સમારકામ કરવામાં નહીં આવે, તો રહીશોને પાયાની સુવિધાઓ માટે હિજરત કરવાની ફરજ પડી શકે છે. હાલમાં આ વિસ્તારના નાગરિકો શુદ્ધ પાણી અને સ્વચ્છતાની માંગ સાથે તંત્રના નક્કર પગલાંની રાહ જોઈ રહ્યા છે.


