Gujarat

VIDEO: 'તમે શું ખાઓ છો તે જાણવાનું રાખો', ગાંધીનગર આવેલા મહારાષ્ટ્રના બહુચર્ચિત IAS તુકારામ મુંઢેની અપીલ

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગરમાં FDA કમિશનર તુકારામ મુંઢેએ હોટેલ ફૂડ ગુણવત્તા અંગે ગ્રાહકોને જાગૃત રહેવા અપીલ કરી. તેમણે 'Know What You Eat' મેસેજ આપી, ગ્રાહકોને રેસ્ટોરન્ટમાં વપરાતી સામગ્રી વિશે પૂછવાનો હક હોવાનું જણાવ્યું. ગુજરાત-મહારાષ્ટ્રમાં નકલી પનીર અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના વધતા કિસ્સાઓ ચિંતાજનક છે. ગ્રાહકોએ પેક્ડ ફૂડની વિગતો અને હોટેલમાં વાનગીના ઘટકો વિશે પ્રશ્નો પૂછી સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'તમે શું ખાઓ છો તે જાણવાનું રાખો', ગાંધીનગર આવેલા મહારાષ્ટ્રના બહુચર્ચિત IAS તુકારામ મુંઢેની અપીલ

FDA Commissioner Tukaram Mundhe On Hotel Food Quality: આજના સમયમાં બહાર મળતાં ખોરાકની ગુણવત્તા સામે સતત સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ ગ્રાહકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બનવા અપીલ કરી છે. ગાંધીનગર ખાતેના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તુકારામ મુંઢેએ 'Know What You Eat' (તમે શું ખાઓ છો તે જાણો)નો મેસેજ આપતાં જણાવ્યું હતું કે, ગ્રાહકોએ કોઈપણ રેસ્ટોરન્ટ કે હોટેલમાં ખાતી વખતે તેમાં વપરાયેલી સામગ્રી વિશે પૂછવાનો પૂરો હક છે અને તેમણે આ આદત કેળવવી જોઈએ.

નકલી પનીર અને કૃત્રિમ ખોરાકનો વધતો વ્યાપ

ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અને એનાલોગ (કૃત્રિમ) પનીર તેમજ ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો પકડાવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધ્યા છે. દૂધની ચરબીના બદલે પામ ઓઈલ અને વેજિટેબલ ફેટ વાપરીને બનાવાતું એનાલોગ પનીર દેખાવમાં અસલી પનીર જેવું જ લાગે છે, પરંતુ તેમાં પ્રોટીન કે પોષક તત્ત્વો હોતા નથી. આવા પદાર્થોનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે.

ગ્રાહકોએ સજાગ થઈ પ્રશ્નો પૂછવા પડશે

તુકારામ મુંઢેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગ્રાહક માત્ર પૈસા ચૂકવીને ખોરાક મેળવનારો પક્ષ નથી, પરંતુ પોતાની પસંદગી અને સુરક્ષા નક્કી કરવાનો તેને અધિકાર છે. પેક્ડ ફૂડ ખરીદતી વખતે ઈન્ગ્રેડિયન્ટ્સ લિસ્ટ, એક્સપાયરી ડેટ અને ન્યુટ્રિશન વેલ્યુ તપાસવી જરૂરી છે. તેવી જ રીતે બહાર જમતી વખતે પણ વાનગીમાં કયા તેલ, પનીર કે મસાલા વાપરવામાં આવ્યા છે તે અંગે હોટેલ સંચાલકોને પ્રશ્ન કરવો જોઈએ.

ફૂડ સેફ્ટી માટે કડક કાર્યવાહીની જરૂરિયાત

નકલી પનીર અને ભેળસેળ કરનારા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગ્રાહકોમાં જાગૃતિ આવશે તો જ ખાદ્યપદાર્થોમાં થતી આવી મોટો ભેળસેળ અટકશે. ખોરાકની ગુણવત્તા સાથે સમજોતો ન કરીને જ ગ્રાહકો પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.