Gujarat

હિંમતનગર નગર૫ાલિકાનું નવા કરવેરા વિનાનુ વર્ષ 2022-23નું રૂ.105 કરોડનું બજેટ મંજુર

By GS Team
1 Mar 20222 mins read
This article was originally published on 1 Mar 2022

હિંમતનગર તા. 28

હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા સોમવારે ટાઉન હોલમાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩નું રૂ. ૧૦૫ કરોડનું બજેટ નવા કરવેરા વિના મંજુર કરાયુ હતુ. આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. ૬.૭૪ કરોડના ખર્ચે ટી.પી. રોડો ઉપરાંત બાંધકામ વિભાગ દ્વારા રૂ. ૫૨.૬૯ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો હાથ ધરવા આયોજન કરાયુ છે. ઉપરાંત શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા બે નવા ઓવરબ્રીજ બનાવવા નક્કી કરાયુ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર સોમવારે શહેરના ટાઉન હોલમાં હિંમતનગર પાલિકાની બજેટ બેઠક યોજાઈ હતી. બજેટ બેઠકમાં હિંમતનગરની પ્રજા પર કોઈ નવા કરવેરા નાખ્યા વિના રૂ. ૧૦૫ કરોડનુ વિકાસલક્ષી બજેટ મંજુર કરાયુ હતુ. બાંધકામ વિભાગ દ્વારા શહેરમાં રૂ. ૫૨.૬૯ કરોડના ખર્ચે વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. સરકારની તેમજ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂ. ૧.૫૮ કરોડના ખર્ચે સી.સી.રોડની કામગીરી તેમજ રૂ. ૨.૯૬ કરોડના ખર્ચે પેવર બ્લોક રોડ બનાવવાની કામગીરી વિવિધ વિસ્તારોમાં ૩.૭૧ કરોડથી વધુના ખર્ચે ટી.પી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સ્વર્ણીમની આગવી ઓળખની મળવા પાત્ર ૪ કરોડની ગ્રાન્ટ અન્વયે લો કોલેજ પાસે સામાન્ય નાગરિકને પોસાય તેવા ભાડાના કોમ્યુનિટી હોલ અને અદ્યતન ઈ-લાયબ્રેરી બનાવવાની કામગીરીનુ પણ આયોજન કરાયુ છે. આગામી દિવસોમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ૫ કરોડના ખર્ચે અમૃત યોજના - ૨ હેઠળ નવિન ડિસ્ટ્રીબ્યુશન લાઈનો તેમજ પાણીના કનેકશનોની, નવિન પાણીની ટાંકીઓ અને સંપ બનાવવાની કામગીરી હાથ ધરાશે. શહેરની જટીલ બનતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા બે ઓવર બ્રીજ સાથે અનેક વિકાસ કામોને હાથ ધરવા માટે બજેટમાં આયોજન કરાયુ છે.