Get The App

કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતાં ગુજરાત હાઇકોર્ટે AMCનો ઉધડો લીધો

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતાં ગુજરાત હાઇકોર્ટે AMCનો ઉધડો લીધો 1 - image


Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટથી કામ આપ્યા પછી ચૂકવણીમાં મોડું થતાં ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો છે. હાઇકોર્ટે ટકોર કરી છે કે, 'તમે બધા કામો કોન્ટ્રાક્ટ પર આપી દો છો પછી જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લો છો. તેના લીધે લોકોને હાલાકી ભોગવવી પડે છે. તમે જે સમયગાળામાં લોકોના કામ કરવાની ડેડલાઇન આપો, તે તમારા માટે કામ કરે અને તમે કોન્ટ્રાક્ટરોને પૈસા નથી આપતા. તેના લીધે મજૂરોને પણ પૈસા નથી મળતા. આ રીતે તમે સામાજિક જીવન સાથે છેતરપિંડી કરો છો?' હાઇકોર્ટે કોર્પોરેશનને રાહત આપવાનો ઇન્કાર કરીને આ અરજી ફગાવી દીધી છે. 

હાઇકોર્ટે એએમસીની ઝાટકણી કાઢી

કોન્ટ્રાક્ટરોએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, 'કોર્પોરેશન લોકોના કામોના કોન્ટ્રાક્ટ આપ્યા પછી પૈસા આપતા નથી. જેના લીધે શ્રમિકોના પૈસા ચૂકવવા અને કામ બંને અટકી જાય છે. કામ પૂર્ણ કરવાનો સમય પૂરો થઈ ગયા પછીયે કામ પૂરા નહીં થતાં કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરે છે.'

અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢતાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે 'બધા કોન્ટ્રાક્ટર ભેગા થઈને તમારા કામ લેવાની ના પાડી દે તેવી સ્થિતિ ત્યારે જ ઊભી થાય, જ્યારે તમારું વલણ વિકાસની દિશામાં ના હોય. કોન્ટ્રાક્ટરે કામ પૂરું કરવામાં માત્ર એક મહિનો મોડું કર્યું, તેમાં તમે તેમને પૈસા આપતા નથી. લોકોના ટેક્સના પૈસા ઉઘરાવો છો, પણ તમારા આવા નિર્ણયથી કોન્ટ્રાક્ટરોના શ્રમિકો મહેનતાણાથી વંચિત રહે છે. કોન્ટ્રાકટરો બિઝનેસ કરે છે અને તમે તેમને પૈસા નથી આપતા. આ રીતે તમે પણ લોકો અને શ્રમિકો સાથે છેતરપિંડી કરો છો. આ કમનસીબ ઘટના છે. શ્રમિકોને તેના પૈસા ના મળે તો લોકોના કામો ના થાય પણ અધિકારીઓને કોઈ ફરક પડતો નથી.'