Get The App

ગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા સદસ્ય ઉપર હિચકારો હુમલો

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
ગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા સદસ્ય ઉપર હિચકારો  હુમલો 1 - image

ગઢડા પંથકમાં ચૂંટણીના ઘેરા પ્રત્યાઘાત શરૃ થયા

હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયા,ગઢડા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી 

ગઢડા -  ગઢડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયાના થોડા દિવસોમાજ ચૂંટણીના વેરઝેર અને હારજીતના ગંભીર ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.બાઈક લઈને જઈ રહેલા સખાપર ગામના તાલુકા પંચાયતના સદસ્ય પર સાત જેટલા લોકોએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

તાજેતરમા યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગઢડા તાલુકા પંચાયતની મોટા સખાપર ગામની બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોને પરાજિત કરી પ્રથમવાર આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ મકવાણાએ જીત મેળવી હતી. ત્યારે કોઈ કારણોસર પ્રવીણભાઈ મકવાણા ઉપર હિચકારો હુમલો કરી હાથ પગ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવારઅર્થે બોટાદ ખસેડાયા છે. આ બનાવ અંગે વધારે જાણવા મળતી માહિતી અનુસાર પ્રવીણભાઈ મકવાણા બપોરના ૧૨ વાગ્યાના સમયે બાઇક લઈને ગઢડાથી મોટા સખપર જઈ રહ્યા હતા તે દરમિયાન હોળાયા ગામ નજીક ફોર વ્હીલ લઈને આવેલા સાત જેટલા લોકોએ આંતરીને હિચકારો હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવના પગલે હુમલાખોરો અને હુમલાનું કારણ સહિતની બાબતે ભારે ચકચાર વચ્ચે ઘેરા રાજકીય પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. આ બનાવના પગલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વીડિયોના માધ્યમથી સોશિયલ મીડિયા મારફતે સમગ્ર ઘટના બાબતે ચિંતા દર્શાવી લોકશાહીમાં રાજકારણને પોતાની પેઢી માનતા લોકો હાર નહીં પચાવી શકતા ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ મકવાણાનું નિવેદન લઈને પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.