Get The App

મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી

ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ હોય કે જાસપુર ગામ પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સરકાર મંજૂરી આપે પછી જ ટેન્ડર કરાય છે

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી 1 - image

અમદાવાદ,શનિવાર,7 માર્ચ,2026

વાર્ષિક રુપિયા ૧૮૫૧૮ કરોડનુ બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને શાસકો કોર્પોરેશનના નાના કે મોટા પ્રોજેકટ માટે પણ રાજય સરકાર આધારીત બની ગયા છે. રુપિયા ૧૨૦૦ કરોડથી વધુની રકમના ખર્ચે ખારીકટ રીડેવલપમેન્ટ પ્રોજેકટની કામગીરી શરુ કરાઈ હતી.હવે જાસપુર ગામ પાસે ૨૫૦ એમ.એલ.ડી.ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા અને પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે આપવા રુપિયા ૨૦૩ કરોડની ગ્રાન્ટ ફાળવવા પણ અર્બન ડેવલપમેન્ટ મિશનના અધિક મુખ્ય કારોબારી અધિકારીને લેખિત રજૂઆત કરવી પડે છે. કોર્પોરેશનના સૂત્રોના કહેવા પ્રમાણે,રાજય સરકાર ડી.પી.આર.મંજૂર કરે પછી જ ટેન્ડર કરી શકાય છે.

સ્થાનિક સ્વરાજયની સંસ્થા ગણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેકસની વાર્ષિક આવક બધુ મળીને ૨૨૫૦ કરોડની આસપાસ રહેતી હોય છે.છેલ્લા કેટલાક વર્ષોથી પ્રોપર્ટીટેકસ,પાણી કે અન્ય ટેકસમા કોઈ વધારો કરવામા આવ્યો નથી.કહેવત છે કે,જેટલી ચાદર હોય એટલી જ સોડ તાણવી જોઈએ. આ બાબત સારી રીતે જાણવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટનુ કદ સતત વધતુ જ ગયુ.પહેલા બાર હજાર,પછી પંદર હજાર અને હવે અઢાર હજાર કરોડથી પણ વધુ.વિકાસના નામે જે જાહેરાતો કરાઈ એની સામે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે, રોડ નવા બનાવવા હોય,રીસરફેસ કરવા હોય તો પણ રાજય સરકાર ગ્રાન્ટ ફાળવે ત્યાં સુધી રાહ જોવી પડે છે.જાસપુર ગામમા સરકારની માલિકીની ૫૬૩૬૧ ચોરસમીટર જમીનમા નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા રૃપિયા ૨૦૩.૮૫ કરોડ ગ્રાન્ટ ફાળવવા માટે પણ જો મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરવી પડતી હોય તો કઈ રીતે આ શહેરને સ્માર્ટ શહેર ગણી શકાય તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.