Liquor Smuggling in Ahmedabad: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવી દારૂ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કોન્સ્ટેબ્યુલરી બ્રાન્ચ (PCB)એ બાતમીના આધારે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરી છે. એસ.પી. રિંગ રોડ પર અસલાલી સર્કલ નજીક આવેલા સાઈનાથ પાર્કિંગ એન્ડ વોશિંગ નજીકથી પોલીસે કરોડોની કિંમતનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. હેલ્મેટના જથ્થા નીચે છુપાવીને લાવવામાં આવતો આ દારૂનો જથ્થો પકડી પાડી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ટ્રક ચંદીગઢથી જૂનાગઢ તરફ જઈ રહી હતી
હિમાચલ પ્રદેશ પાસિંગની એક ટ્રક ચંદીગઢથી જૂનાગઢ તરફ જઈ રહી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે આ ટ્રકને સાઈનાથ પાર્કિંગ પાસે રોકી તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ટ્રકમાં ઉપરના ભાગે હેલ્મેટના બોક્સ ગોઠવવામાં આવ્યા હતા, જેની આડમાં નીચે વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 10,749 નંગ બોટલો જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 63,86,608 છે.
પીસીબીની આ કાર્યવાહીમાં પોલીસે દારૂના જથ્થા ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જેમાં 5,25,447 રૂપિયાની કિંમતના 1,053 નંગ હેલ્મેટ, હિમાચલ પાસિંગની ટ્રક, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 84,25,185 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ટ્રકચાલક જોની બળદેવસિંહ ચંદેલ (ઉંમર વર્ષ 38, રહે. ગામ હવાની, જી. મંડી, હિમાચલ પ્રદેશ)ની ધરપકડ કરી છે. હાલમાં આ દારૂનો જથ્થો કોણે મોકલાવ્યો હતો અને જૂનાગઢમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે.


