ગુજરાતમાં ફરી પડશે માવઠું: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Weather Update Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે, વરસાદી આગાહી છતાં ગરમીના પ્રકોપમાંથી મુક્તિ મળવાની આશા નહિવત્ છે.
કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના?
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, ચક્રવાતી સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે (20મી એપ્રિલ) ખાસ કરીને અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.
અમદાવાદમાં આકાશ વાદળછાયું છતાં અસહ્ય ગરમી
અમદાવાદમાં આજે આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે, પરંતુ ગરમીમાં કોઈ ઘટાડો નોંધાશે નહીં. શહેરમાં મહત્તમ તાપમાન 41°Cની આસપાસ રહેવાની શક્યતા છે. કાળઝાળ તડકાથી બચવા માટે લોકો મોઢે રૂમાલ, દુપટ્ટા અને છત્રીનો સહારો લઈ રહ્યા છે. આગામી 7 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
દરિયાકાંઠાના વિસ્તારમાં બફારાનો માર
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીની સાથે 'હોટ ઍન્ડ હ્યુમિડ' એટલે કે ભારે બફારાવાળું વાતાવરણ રહેશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફની રહેવાની શક્યતા છે. ગરમી અને ભેજનું ઊંચું પ્રમાણ લોકોની મુશ્કેલીમાં વધારો કરશે.








