Get The App

છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને 'વોટિંગ' ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને 'વોટિંગ' ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો 1 - image

Election Commission SVEEP Controversy: એક તરફ આકાશમાંથી અગનજ્વાળા જેવી ગરમી વરસી રહી છે, જ્યાં નેતાઓ એસી ગાડીઓ છોડવા તૈયાર નથી, ત્યાં બીજી તરફ છોટા ઉદેપુરના રસ્તા પર શાળાના વિદ્યાર્થીઓને ઉતારી દેવામાં આવ્યા છે. આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન જાગૃતિના નામે વહીવટી તંત્ર દ્વારા જે 'ખેલ' પાડવામાં આવ્યો છે, તેને લઈને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.


છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને 'વોટિંગ' ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો 2 - image

આકરી ગરમી વચ્ચે રસ્તા પર બાળકો: કોના માટે આ કવાયત?

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ SVEEP (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) કાર્યક્રમ અંતર્ગત પેટ્રોલ પંપથી માણેક ચોક સુધી એક હજાર જેટલા વિદ્યાર્થીઓની માનવ સાંકળ રચવામાં આવી. રેડ એલર્ટ જેવી સ્થિતિમાં જ્યારે સામાન્ય નાગરિકોને ઘરમાં રહેવાની સલાહ અપાય છે, ત્યારે આ બાળકોને હાથમાં બેનરો પકડાવી કલાકો સુધી રસ્તા પર તપાવવામાં આવ્યા. શું ચૂંટણી પંચ પણ હવે પ્રચાર અને પ્રસિદ્ધિ માટે સત્તાધારી પક્ષની જેમ અવનવા નુસખા અપનાવી રહ્યું છે? તેવો ગણગણાટ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.

આચારસંહિતાનો અમલ ક્યાં? તંત્રની બેધારી નીતિ

મતદાન જાગૃતિ માટે જેટલો ઉત્સાહ અધિકારીઓમાં દેખાય છે, તેટલો જ ઉત્સાહ આચારસંહિતાના કડક અમલ માટે કેમ નથી દેખાતો? શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવાની ખેંચતાણ સાથે બિનહરીફનો ખેલ ખેલાયો ત્યારે ક્યાં હતા ચૂંટણી અધિકારીઓ? નજીવી ભૂલો કાઢીને વિપક્ષી ઉમેદવારોના ફોર્મ રદ કરવાની રમત રમાઈ અને કોઈ ચોક્કસ પક્ષને સીધો ફાયદો કરાવવાની પેરવી થઈ. જ્યારે આ બધું ધોમધખતા તડકાની જેમ ચાલી રહ્યું હતું, ત્યારે આ 'જાગૃત' અધિકારીઓ ક્યાં હતા? શું વહીવટી તંત્ર જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યું છે?

છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને 'વોટિંગ' ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો 3 - image

‘નેતાઓ પ્રજા વચ્ચે જતાં ડરે છે અને તંત્ર બાળકોને રસ્તા પર ઉતારે છે, આ તે કેવી લોકશાહી?’

જનતાનો આક્રોશ અને સોશિયલ મીડિયાનો સહારો

રાજ્યમાં ઠેર-ઠેર ઉમેદવારોના બહિષ્કારના બોર્ડ લાગી રહ્યા છે. ગામડાઓમાં અને શહેરોમાં લોકોનો રોષ એટલો છે કે સત્તાપક્ષના પગ નીચેથી જમીન ખસી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જનતાના આક્રોશના વીડિયો વાઇરલ થતાં ઉમેદવારો હવે લોકો વચ્ચે જવાનું ટાળી રહ્યા છે અને માત્ર સોશિયલ મીડિયા પર પ્રચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: Explainer: ઓડિશામાં દેશનું પહેલું ‘3D ગ્લાસ સેમિકન્ડક્ટર’ પેકેજિંગ યુનિટ શરૂ, જાણો આ પ્રોજેક્ટ કેવી રીતે બની શકે છે ‘ગેમ ચેન્જર’

ઓછા મતદાનની બીકે અને સત્તાના ઈશારે ચૂંટણી વિભાગ જે રીતે મેદાને પડ્યું છે, તેનાથી ઉલટું પરિણામ આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. લોકશાહીના નામે માત્ર બાળકોને ગરમીમાં તપાવવાથી મતદાન વધશે કે કેમ તે તો 26 એપ્રિલે ખબર પડશે, પરંતુ અત્યારે તો વહીવટી તંત્રની આ કાર્યપદ્ધતિ સામે અનેક સવાલોની 'માનવ સાંકળ' રચાઈ ગઈ છે.