બ્રિટનમાં અચાનક શું થયું? સરકારે લોકોને કહ્યું- 3 દિવસનું રેશન અને જરૂરી વસ્તુઓ જમા કરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UK Storm Austin Be Ready Campaign News : બ્રિટનમાં તોફાન ઓસ્ટિનના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન સરકારે નાગરિકોને કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા અપીલ કરી છે. આ માટે ‘બી રેડી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરકારની સલાહ છે કે દરેક પરિવારે ઘરમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ચાલે એટલો જરૂરી સામાન રાખવો જોઈએ, જેથી કટોકટીના સમયે મુશ્કેલીનો સામનો કરી શકાય.
મદદ પહોંચવામાં સમય લાગી શકે છે
સરકારના જણાવ્યા અનુસાર, આપત્તિની સ્થિતિમાં રાહત અને મદદ પહોંચતાં સમય લાગી શકે છે. તેથી લોકોએ પીવાનું પાણી, લાંબા સમય સુધી બગડે નહીં તેવી ખાદ્યસામગ્રી, દવાઓ, ટોર્ચ, વધારાની બેટરી અને અન્ય આવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરી રાખવો જોઈએ. સરકારે લોકોને પહેલાં ઘરમાં ઉપલબ્ધ સામાનની તપાસ કરવા અને ત્યારબાદ જરૂરિયાત મુજબની વસ્તુઓ ખરીદવા જણાવ્યું છે. આ ઉપરાંત, બાળકો, વૃદ્ધો અને પાળેલાં પ્રાણીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ તૈયારી કરવા અપીલ કરી છે.
ઇમરજન્સી કિટમાં કઈ વસ્તુઓ રાખવી?
બ્રિટન સરકારની સલાહ મુજબ, કટોકટીના સમયે ઉપયોગી થઈ શકે તેવી વસ્તુઓની કિટ તૈયાર રાખવી જોઈએ. તેમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે.
પીવાનું પાણી: ત્રણ દિવસ સુધી ચાલે એટલું પાણી રાખવું. રસોઈ અને સફાઈ માટે પણ વધારાનું પાણી રાખવું.
ખાદ્યસામગ્રી: લાંબા સમય સુધી બગડે નહીં અને જેને રાંધવાની કે ફ્રિજમાં રાખવાની જરૂર ન પડે તેવી વસ્તુઓનો સંગ્રહ કરવો.
દવાઓ અને પ્રાથમિક સારવાર: ફર્સ્ટ એઇડ કિટ તથા પરિવારના સભ્યો માટે જરૂરી દવાઓ રાખવી.
ટોર્ચ અને બેટરી: વીજળી જતી રહે ત્યારે ઉપયોગી થાય તે માટે ટોર્ચ અને વધારાની બેટરી રાખવી.
ગરમ કપડાં અને ધાબળા: ધાબળા, સ્લીપિંગ બેગ અને ગરમ કપડાં તૈયાર રાખવાં.
મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા: ચાર્જ કરેલો પાવર બેન્ક અથવા બેટરીથી ચાલતું ચાર્જિંગ સાધન રાખવું.
બાળકો અને પાલતું પ્રાણીઓ માટેની વસ્તુઓ: બાળકો માટે દૂધ, ડાયપર અને પાળેલાં પ્રાણીઓ માટે ખોરાકનો સંગ્રહ કરવો.
જરૂરી દસ્તાવેજોની નકલ પણ તૈયાર રાખો
સરકારે લોકોને ઓળખપત્રો, જરૂરી ફોન નંબર અને અન્ય મહત્ત્વના દસ્તાવેજોની નકલો તૈયાર રાખવાની પણ સલાહ આપી છે. કટોકટીના સમયે આ દસ્તાવેજો ઉપયોગી થઈ શકે છે.
પડોશીઓની મદદ કરવા પણ અપીલ
‘બી રેડી’ અભિયાન હેઠળ સરકારે લોકોને પડોશીઓના સંપર્કમાં રહેવા અને જરૂર પડ્યે એકબીજાની મદદ કરવા અપીલ કરી છે. ખાસ કરીને જેમને કટોકટીના સમયે મદદની જરૂર પડી શકે છે, તેમની સ્થિતિ વિશે જાણકારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારે એમ પણ જણાવ્યું છે કે જે લોકો પાસે જરૂર કરતાં વધારાનો આવશ્યક સામાન હોય, તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ શકે છે. આ અભિયાનનો હેતુ નાગરિકોને અગાઉથી તૈયાર રાખવાનો છે, જેથી કટોકટી દરમિયાન સરકારી રાહત અને મદદ પહોંચે ત્યાં સુધી તેઓ પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે.




