Get The App

હરિદ્વારમાં આસ્થાનો મહાકુંભ: હજારો સુરતીઓ સહિત લાખો ભક્તોએ કર્યું અધિક અગિયારસનું ગંગાસ્નાન

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
હરિદ્વારમાં આસ્થાનો મહાકુંભ: હજારો સુરતીઓ સહિત લાખો ભક્તોએ કર્યું અધિક અગિયારસનું ગંગાસ્નાન 1 - image

Haridwar Ganga Snan: અધિક માસ ની વર્ષો જૂની પરંપરા નિભાવવા 12થી 15 દિવસના ધાર્મિક પ્રવાસે નીકળેલા હજારો સુરતી અને ગુજરાતી ભક્તોની આસ્થા અગિયારસે હરિદ્વારના પવિત્ર ગંગા તટ પર છલકાઈ ઊઠી હતી. હરકી પેઢીના બ્રહ્મકુંડ માં ગંગાસ્નાન કરી ભક્તોએ પુણ્ય લાભ મેળવ્યો હતો. પુરુષોત્તમ માસમાં ગંગાસ્નાન વિશેષ મહત્ત્વને કારણે ગંગા તટ ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યો હતો, જે સુરતીઓ અને ગુજરાતીઓની અડગ ધાર્મિક પરંપરા અને સંસ્કારનું જીવંત પ્રતિબિંબ બન્યો હતો. આજે અગિયારસ ના દિવસે ગંગા તટે ઉમટેલી ભક્તોની વિશાળ ભીડ એ વાતનો જીવંત પુરાવો બની કે સુરતીઓ અને ગુજરાતીઓમાં ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેની શ્રદ્ધા સમય સાથે વધુ પ્રગાઢ બની છે. 

હાલ ચાલી રહેલા અધિક માસમાં વિવિધ ધાર્મિક સ્થળના દર્શન અને નદીના સ્નાન સાથે અગિયારસના દિવસે ગંગા સ્નાન નું વિશેષ મહત્વ હોવાથી સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી હજારો ભક્તો હરિદ્વાર પહોંચ્યા હતા. અધિક માસ ની વર્ષો જૂની પરંપરા નિભાવવી સુરતમાંથી અનેક બસો, ટ્રેનો અને ખાનગી વાહનો દ્વારા ભક્તો 12થી 15 દિવસના ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. હરિદ્વાર ઉપરાંત ઋષિકેશ, મથુરા, વૃંદાવન અને અન્ય પવિત્ર તીર્થસ્થળોએ દર્શન કર્યા હતા. . સુરત અને ગુજરાતના અનેક પરિવારો માં અધિક માસ દરમિયાન ગંગા સ્નાન કરવાની પરંપરા આજે પણ શ્રદ્ધાપૂર્વક જળવાઈ રહી છે.

સુરતથી હરિદ્વાર ગંગા સ્નાન માટે ગયેલા ગીતા જરીવાલાએ કહ્યું, અધિક માસ દરમિયાન ગંગા સ્નાન કરવાની તેમની વર્ષો જૂની પરંપરા છે તેથી સમાજ ની બસ ઉપડે છે તેમાં અચૂક લાભ લે છે. અને અગિયારસના દિવસે  ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવાથી મનને અદભુત શાંતિ મળે છે. પ્રકાશ જરીવાલાએ જણાવ્યું હતું કે સુરત અને ગુજરાતમાંથી દર અધિક માસે મોટી સંખ્યામાં લોકો હરિદ્વાર આવે છે. નવી પેઢી પણ આ પરંપરામાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહી છે, જે સનાતન સંસ્કૃતિ માટે સારા સંકેત છે.

રણજીત ચીમના કહે છે, ક્ષત્રિય (ખત્રી) સમાજમાં વર્ષોથી અધિક માસ દરમિયાન તીર્થયાત્રા કરવાની પરંપરા ચાલી આવે છે. નવી પેઢી પણ આ પરંપરાને ઉત્સાહપૂર્વક આગળ વધારી રહી છે, જે આનંદની બાબત છે. અધિક માસમાં ગંગાસ્નાન કરવું તેમના પરિવારની વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે.  અધિક માસે સુરત અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો હરિદ્વાર પહોંચે છે.  આજે મધ્યરાત્રિથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. 

બ્રહ્મમુહૂર્ત દરમિયાન ગંગાસ્નાન માટે ભારે ભીડ જોવા મળી હતી

સતીષ જરીવાલા કહે છે, હરકી પેઢીના બ્રહ્મકુંડની વાત કરીએ તો મધ્યરાત્રિએ લગભગ 2 વાગ્યાથી સ્નાનનો પ્રવાહ શરૂ થયો હતો. સવારે 8 વાગ્યા સુધીમાં લાખો શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કર્યું હતું. સવારે સાડા છ વાગ્યે એક સમયે એક લાખથી વધુ ભક્તો ઘાટ પર હાજર જોવા મળ્યા હતા આ ઉપરાંત અન્ય ગંગા ઘાટો પર પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

અધિક માસની અગિયારસે હરિદ્વાર ગંગા તટ પર ઉમટેલી ભક્તોની ભીડ સુરતીઓ અને ગુજરાતીઓની અતૂટ શ્રદ્ધા નું જીવંત દર્શન બની હતી. ગંગા માતાના પવિત્ર જળમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.  હરિદ્વારમાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે  હર હર ગંગે નો જયઘોષ વચ્ચે એક વખત ફરી સ્પષ્ટ થયું કે સુરતીઓ અને ગુજરાતીઓ આજે પણ પોતાના ધર્મ, સંસ્કાર અને સનાતન પરંપરાઓને જીવંત રાખી રહ્યાં છે. 

સુરતના ખત્રી સમાજ માં વર્ષોથી જીવંત છે અધિક માસની તીર્થયાત્રાની પરંપરા  

અધિક માસ દરમિયાન ગંગાસ્નાન અને તીર્થયાત્રા ની પરંપરા સુરતના ખત્રી સમાજમાં વર્ષોથી ચાલી આવી રહી છે. સમાજના આગેવાનો ના જણાવ્યા મુજબ દર અધિક માસે પરિવાર સાથે હરિદ્વાર જઈ ગંગાસ્નાન કરવું અને ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો રિવાજ આજે પણ જળવાઈ રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે હવે યુવાવર્ગ અને બાળકો પણ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. જેના કારણે પરંપરા માત્ર જળવાઈ જ નથી રહી, પરંતુ નવી પેઢી સુધી પણ સફળતાપૂર્વક પહોંચતી જોવા મળી રહી છે.

અધિક માસની અગિયારસ સ્નાન, દાન અને ભક્તિ નું વિશેષ ફળ મળવાની માન્યતા

ધાર્મિક ગ્રંથો અનુસાર અધિક માસને ભગવાન વિષ્ણુનો પ્રિય માસ માનવામાં આવે છે. આ માસની અગિયારસે ગંગાસ્નાન, જપ, તપ, દાન અને ભગવાનના સ્મરણનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માન્યતા મુજબ આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપ ક્ષય થાય છે અને આધ્યાત્મિક પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી જ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ હરિદ્વાર સહિતના પવિત્ર તીર્થસ્થળો પર પહોંચી આસ્થા વ્યક્ત કરે છે. અધિક માસની અગિયારસને ભક્તો માટે આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ચિંતનનો વિશેષ અવસર માનવામાં આવે છે.