Get The App

ગંગા સ્વરૂપા બહેનો માટે ખુશખબર: વિધવા સહાયના પૈસા હવે ઘરે બેઠા મળશે, જાણો નવી વ્યવસ્થા

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
ગંગા સ્વરૂપા બહેનો માટે ખુશખબર: વિધવા સહાયના પૈસા હવે ઘરે બેઠા મળશે, જાણો નવી વ્યવસ્થા 1 - image

Ganga Swaroopa Arthik Sahay Yojana: વિધવાઓને આત્મનિર્ભર બનાવવા અમલમાં આવેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બૅંક(IPPB)ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે.

નવા IPPB ખાતા ખોલવામાં આવશે

પોસ્ટ માસ્ટર જનરલે વિગતો આપતા કહ્યું કે, 'ઉત્તર ગુજરાતમાં આશરે 1.47 લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઑફિસના ખાતા દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બૅંકિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં તા. 14થી 20 ફેબ્રુઆરી, 2026 સુધી વિશેષ અભિયાન ચલાવીને નવા IPPB ખાતા ખોલવામાં આવશે.'

જૂના બચત ખાતાની પાસબુક અનિવાર્ય

આ વિશે વધુ વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, 'આ IPPB ખાતું 0 બેલેન્સથી ખોલી શકાશે. પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક વિનંતી પર ઘરે આવીને ખાતું પણ ખોલી આપશે અને નાણાં પણ ચૂકવશે. લાભાર્થીઓએ પૈસા ઉપાડવા માટે બૅંક કે પોસ્ટ ઑફિસ જવાની જરૂર રહેશે નહી. જે લાભાર્થીઓ પાસે પહેલેથી IPPB ખાતું છે, તેમણે માત્ર આધાર સીડિંગ કરાવવાનું રહેશે. IPPB ખાતું પહેલેથી જ ઉપલબ્ધ પોસ્ટ ઑફિસ બચત ખાતા સાથે લીંક કરી શકાશે, જેથી પોસ્ટ ઑફિસ બચત ખાતા અને IPPB બન્નેના લાભ એક સાથે મેળવી શકાય. આ ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર અને જૂના બચત ખાતાની પાસબુક અનિવાર્ય છે.'

નોંધી લો આ હેલ્પલાઇન નંબરો

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં અંદાજે 18,155 લાભાર્થી પોસ્ટ ઑફિસ ખાતા મારફતે આ સેવાનો લાભ લઈ રહ્યા છે. જો કોઈ લાભાર્થીને ખાતું ખોલવામાં મુશ્કેલી જણાય, તો તેઓ નજીકની પોસ્ટ ઑફિસનો અથવા હેલ્પલાઇન નંબર 9218302143, 9978675753, 9218302132 પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મોટી તક! RBIમાં 650 આસિસ્ટન્ટની ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

નવી વ્યવસ્થાની ખાસિયતો 

IPPB સાથે જોડાણ: હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બૅંક(IPPB)ના ખાતામાં જમા કરાશે. અગાઉ આ રકમ અન્ય બૅંક ખાતા કે મની ઓર્ડર દ્વારા મોકલાતી હતી.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT)નો ઉપયોગ: આધાર કાર્ડ લિંક હોવાથી 'ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર' દ્વારા નાણાંની સુરક્ષિત અને ઝડપી ચૂકવણી થશે.

માઇક્રો એટીએમ (Micro ATM) સુવિધા: આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે પોસ્ટમેન દ્વારા ઘરબેઠા રોકડ મેળવી શકાશે. બહેનોએ બૅંકના ધક્કા ખાવા પડશે નહીં.

બાયોમેટ્રિક સુરક્ષા: પૈસા ઉપાડતી વખતે અંગૂઠાનું નિશાન (Biometric) લેવામાં આવશે, જેથી છેતરપિંડીની શક્યતા ઘટી જશે.