Gujarat TAT Higher Secondary Prelims Result Declared: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી શિક્ષક અભિરુચિ કસોટી(TAT)(ઉચ્ચત્તર માધ્યમિક) - 2026ની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ મંગળવારે (16 જૂન) જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી નોંધાયેલા કુલ 1,65,024 ઉમેદવારોમાંથી 1,47,584 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવીને કુલ 51,971 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે.
30 જૂન સુધી થશે પુનઃચકાસણી
જો કોઈ ઉમેદવાર પોતાની OMR શીટની પુનઃચકાસણી કરાવવા ઈચ્છતા હોય, તો તેઓ 18/06/2026 થી 30/06/2026 સુધીમાં સરકારી કામકાજના દિવસો દરમિયાન (સવારે 11:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી) રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-21, ગાંધીનગર ખાતે રૂબરૂ જઈને અરજી કરી શકશે. આ માટે ઉમેદવારે હોલ ટિકિટ, OMR ની નકલ અને રૂ.100/- ફી લેખિત અરજી સાથે જમા કરાવવાની રહેશે.
ઉમેદવારો પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ sebexam.org પર જઈને પોતાના બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી જોઈ શકે છે.



