Get The App

ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ દોડશે?

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ દોડશે? 1 - image


Gujarat Local Body Elections 2026: પંચમહાલના રાજકારણમાં અત્યારે ગરમાવો ચરમસીમાએ છે. નિમિત્ત છે ગોધરા નગરપાલિકાની ચૂંટણી. ભાજપના ઉમેદવારો આજે (11મી એપ્રિલ) જ્યારે પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા, ત્યારે દ્રશ્યો એવા હતા કે જાણે કોઈ ફિલ્મી શૂટિંગ ચાલી રહ્યું હોય! મોટી સંખ્યામાં સમર્થકો અને મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓના લાંબા કાફલા સાથે ઉમેદવારોએ જે 'રોયલ અંદાજ'માં એન્ટ્રી મારી, તે જોઈને સામાન્ય નાગરિકો પણ અચંબે પડી ગયા છે.

સેવા કરવા નીકળ્યા કે સંપત્તિનું પ્રદર્શન કરવા?

રાજકીય પક્ષો આને 'શક્તિ અને સંકલ્પ'નો સંદેશ કહી રહ્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે ચર્ચાઓ કંઈક અલગ જ ચાલી રહી છે. ફોર્મ ભરવા ગયેલા ઉમેદવારોનો આ 'શાહી ઠાઠ' જોઈને લોકમુખે એક જ સવાલ છે કે, જે ઉત્સાહ અને જે ગાડીઓનો કાફલો આજે ઉમેદવારી નોંધાવવા માટે દોડ્યો છે, શું આવો જ કાફલો આવતીકાલે જનતાની સમસ્યા ઉકેલવા કે કોઈ ગરીબની મદદ માટે દોડશે ખરો?

ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ દોડશે? 2 - image

સરકારની 'ઈંધણ બચાવો'ની શિખામણ નેતાઓએ જ હવામાં ફગાવી!

એક તરફ સરકાર પર્યાવરણ અને ઈંધણ બચાવવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના જ ઉમેદવારોએ ડઝનબંધ ગાડીઓના ધુમાડા કાઢીને આ સૂચનાઓની જાણે અવગણના કરી હોય તેવું લાગતું હતું. રોડ પરથી પસાર થતી આ મોંઘીદાટ કારોનો કાફલો જોઈને લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે, 'કોઈ લાચાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા માટે કદાચ આટલી ગાડીઓ ભેગી ન થાય, જેટલી આજે સત્તાનો સ્વાદ ચાખવા માટે ફોર્મ ભરવા ભેગી થઈ છે.'

ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ દોડશે? 3 - image

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં

ચૂંટણી પહેલાનું 'ટ્રેલર' જોરદાર, 'પિક્ચર' હજી બાકી છે

ભાજપના ઉમેદવારોએ આ પ્રભાવશાળી એન્ટ્રી દ્વારા વિરોધીઓને ડરાવવાનો અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, ગોધરાના જાગૃત મતદારોમાં ચર્ચા છે કે નેતાઓનો આ 'રોયલ અંદાજ' ફક્ત ચૂંટણીના ફોર્મ ભરવા સુધી જ મર્યાદિત ન રહેવો જોઈએ. જો જીત્યા પછી પણ લોકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે આ જ ઝડપે મોંઘી ગાડીઓ દોડશે, તો જ આ 'શક્તિપ્રદર્શન' સાર્થક ગણાશે.

હાલ તો ગોધરાની ગલીઓમાં આ 'કારોનો કાફલો' અને ઉમેદવારોનો 'ઠાઠ' જ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.