Gujarat

બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ

By GS TEAM
23 Feb 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સુરક્ષા અને 'બેટી બચાવો-બેટી પઢાઓ'ના દાવાઓ વચ્ચે એક ચિંતાજનક વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યમાં માસૂમ બાળકીઓ પરના દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આઘાતજનક બાબત એ છે કે, આ ગંભીર ગુનાઓના 5135 જેટલા કેસો હજુ પણ અદાલતોમાં પેન્ડિંગ છે. ન્યાય પ્રક્રિયામાં થઈ રહેલા આ વિલંબને કારણે 'દીકરીઓને ન્યાય ક્યારે મળશે?' તેવો ગંભીર સવાલ ઉભો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ

Pending POCSO cases Gujarat: ગુજરાતમાં સુરક્ષા અને 'બેટી બચાવો-બેટી પઢાઓ'ના દાવાઓ વચ્ચે એક ચિંતાજનક વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યમાં માસૂમ બાળકીઓ પરના દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આઘાતજનક બાબત એ છે કે, આ ગંભીર ગુનાઓના 5135 જેટલા કેસો હજુ પણ અદાલતોમાં પેન્ડિંગ છે. ન્યાય પ્રક્રિયામાં થઈ રહેલા આ વિલંબને કારણે 'દીકરીઓને ન્યાય ક્યારે મળશે?' તેવો ગંભીર સવાલ ઉભો થયો છે.

પોક્સોના આઘાતજનક આંકડા: 5 વર્ષમાં 31,000 થી વધુ બાળકીઓ બની શિકાર

ગુજરાતમાં 'સબ સલામત'ના દાવાઓ વચ્ચે બાળકીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, વર્ષ 2020થી 2025 દરમિયાન રાજ્યમાં પોક્સો(POCSO) હેઠળ કુલ 31,617 ગુનાઓ નોંધાયા છે, જે દર્શાવે છે કે સરેરાશ દર વર્ષે 5,000થી વધુ બાળકીઓ શિકાર બની રહી છે.

સૌથી ચિંતાજનક બાબત ન્યાયમાં થઈ રહેલો વિલંબ છે. રાજ્યમાં 35 ફાસ્ટટ્રેક કોર્ટ કાર્યરત હોવા છતાં, હજુ પણ 5,135 કેસો પેન્ડિંગ છે, જેમાંથી 2,642 કેસો તો બે વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. આ આંકડાઓએ વાલીઓમાં ફાળ પાડી છે અને દીકરીઓની સલામતી સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.

કાયદા વ્યવસ્થાની કથળતી સ્થિતિનો પુરાવો

ગુજરાતમાં માસૂમ બાળકીઓ પર વધતી દુષ્કર્મની ઘટનાઓએ રાજ્યની કાયદા વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. એક સમયે 'સુરક્ષિત ગુજરાત' ગણાતું રાજ્ય હવે પોતાનું આ બિરુદ ગુમાવી રહ્યું હોય તેવું ચિંતાજનક ચિત્ર ઉપસી રહ્યું છે. દીકરીઓની સુરક્ષાના બણગાં ફૂંકતી સરકારના દાવાઓ વચ્ચે ગુનેગારોમાં કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી. માસૂમ બાળકીઓની સલામતી હવે માત્ર નેતાઓના ભાષણો અને મંત્રીઓના નિવેદનો પૂરતી જ સીમિત રહી ગઈ છે. વાસ્તવિકતામાં, સતત વધતા જતા આ ગુનાઓએ ગુજરાતની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું?

સુરક્ષાના બદલે પ્રોટોકોલ અને ઉદ્ઘાટનોમાં વ્યસ્ત નેતાઓ

ગુજરાતમાં સતત વધી રહેલા પોક્સોના કેસ અને ડ્રગ્સના દરોડા રાજ્યની કથળતી કાયદો-વ્યવસ્થાની સાક્ષી પૂરે છે. ગુનાખોરીનો ગ્રાફ જે રીતે ઊંચે જઈ રહ્યો છે, તેવું ભયાનક ચિત્ર ગુજરાતમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. તેમ છતાં, સત્તાધીશો અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો-વ્યવસ્થા સુધારવાને બદલે ઉદ્ઘાટનો અને પ્રોટોકોલના ઠાઠમાં જ વ્યસ્ત હોય તેવું જણાય છે.

રાજ્યના મુખ્યમંત્રીના વહીવટ પર પણ ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. 'માસ્ટર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં' તેવી સ્થિતિમાં ગુજરાતનું શાસન ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. હાઈકમાન્ડના રક્ષણ હેઠળ નેતાઓ જે રૂઆબ બતાવી રહ્યા છે, તેની સામે સામાન્ય જનતા અને માસૂમ દીકરીઓની સુરક્ષા રામભરોસે છોડી દેવામાં આવી હોય તેવું ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે.