Get The App

શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા 1 - image


Ramesh bhai Katara apology : ગોધરામાં યોજાયેલા સત્તાવાર સરકારી કાર્યક્રમ 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' ના મંચ પરથી શિક્ષકોની માનસિકતા અને કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવનારા રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા આખરે વિવાદ વધતા બેકફૂટ પર આવ્યા છે. મંત્રીએ જાહેરમાં પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, "મારાથી કાર્યક્રમમાં જે બોલાઈ ગયું એ બદલ હું માફી માગું છું અને મારા શબ્દો પાછા લઉં છું." સરકારી મંત્રી દ્વારા જાહેરમાં માફી માગવામાં આવતા પાછલા બે દિવસથી શિક્ષણ જગત અને રાજકારણમાં ચાલી રહેલા ભારે ઘમસાણ પર આખરે પૂર્ણવિરામ મુકાયું હોય તેવું લાગી રહ્યું છે.

શું હતો વિવાદ? 

ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી રમેશભાઈ કટારાએ શિક્ષકોને આડે હાથ લેતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ આર્થિક લાભો અને ઉચ્ચ પગાર મેળવ્યા પછી પણ શિક્ષકોની ભૂખ ભાગતી નથી અને તેઓ સરકાર સામે અવારનવાર વિરોધ પ્રદર્શન કરે છે. આટલું જ નહીં, તેમણે શિક્ષકોની વ્યાવસાયિક નિષ્ઠા પર પ્રહાર કરતા એવું પણ કહ્યું હતું કે આજનો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ રચ્યોપચ્યો રહે છે.

સરકારના જ એક જવાબદાર મંત્રી દ્વારા શૈક્ષણિક આલમની સરેઆમ ટીકા કરાતા સમગ્ર રાજ્યના શિક્ષક સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ આ નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યું હતું. ચારેય તરફથી ઘેરાયા બાદ અને પક્ષના મોવડીમંડળ તરફથી મળેલી કડક સૂચનાઓ બાદ, મંત્રીએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી લીધી છે અને શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરતા પોતાના વિવાદિત શબ્દો વિધિવત રીતે પાછા ખેંચી લીધા છે.