Pradhyuman Vaja: કમોસમી વરસાદે ખેડૂતોને બેહાલ બનાવી દીધા છે. ખેતરોમાં ઊભો પાક ભોંયભેગો થતાં મોંઢામાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી પરિણમી છે. ખેડૂતો આર્થિક રીતે તબાહ થયાં છે ત્યારે મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહાચ્યાં છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં મંત્રી પ્રદ્યુમન વાજાએ ગમબુટ પહેરી જાણે ઘોડેસવારી કરવાની હોય તેવો દેખાડો કર્યો હતો. આ તસવીર વાઈરલ થતાં મંત્રી ટીકાનું પાત્ર બની રહ્યા હતાં.
ખેડૂતોની મહેનત પર મેઘરાજાએ પાણી ફેરવ્યું
મેઘરાજાએ જાણે ગુજરાતમાં અડિંગો જમાવી દીધો છે. શિયાળાનું આગમન થાય તે પહેલાં મેઘરાજાએ રિ-એન્ટ્રી મારી છે, જેના કારણે છેલ્લાં બે ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તો પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતાં ખેતરો પાણી પાણી થયા છે. કપાસ, મગફળી, ડાંગર, શાકભાજી, સોયાબીન સહિત અન્ય બાગાયતી પાકને વ્યાપકપણે નુકશાન પહોંચ્યુ છે. દિવાળીના દિવસે જ રાજ્ય સરકારે કૃષિ પેકેજ જાહેર કર્યુ છે ત્યાં ફરી એકવાર વરસાદે ખેડૂતોને આર્થિક રીતે તબાહ કર્યાં છે. આખી સિઝનમાં અથાગ મહેનત કરીને પાક લણવાનો વારો આવ્યો ત્યાં મેઘરાજાએ પાણી ફેરવી દીધુ છે.
આ પણ વાંચોઃ વધુ એક સંકટ! ભારે વરસાદ લાવતું અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું

ગમબૂટ પહેરીને પહોંચ્યા મંત્રી
આ સંજોગોમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતાં જ્યાં તેઓ ગમબૂટ પહેરીને અસરગ્રસ્તને મળવા ગયા હતાં. મંત્રી અસલ ઘોડેસવાર લાગતા હોય તેવું દ્રશ્ય સર્જાયુ હતું. ખેડૂતોની વેદના જાણવા કરતાં મંત્રીએ પોતાના વસ્ત્રોનો વધુ ખ્યાલ રાખ્યો હોય તેવું સ્થાનિકોનું માનવુ છે. આર્થિક રીતે તબાહ ખેડૂતો હાલ રાતા પાણીએ રડી રહ્યાં છે ત્યારે તેમના આંસુમ લુંછવામાં મંત્રી કે સરકારને રસ નથી.


