Gujarat

વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં 'અંડરકરન્ટ': મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા

By GS TEAM
22 Apr 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણી પ્રચારને આડે હવે ત્રણેક દિવસ માંડ રહ્યાં છે તેમ છતાંય ચૂંટણી માહોલમાં જોરશોર દેખાતો નથી. આ વખતે ચૂંટણી મુદ્દાઓ પણ જાણે બિનઅસરકારક સાબિત થયાં છે જેથી મતદારોને રિઝવવા શું કરવું એ મુદ્દે ઉમેદવારો અને રાજકીય પક્ષો મૂંઝવણમાં મૂકાયાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં 'અંડરકરન્ટ': મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા

Gujarat Local Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણી પ્રચારને આડે હવે ત્રણેક દિવસ માંડ રહ્યાં છે તેમ છતાંય ચૂંટણી માહોલમાં જોરશોર દેખાતો નથી. આ વખતે ચૂંટણી મુદ્દાઓ પણ જાણે બિનઅસરકારક સાબિત થયાં છે જેથી મતદારોને રિઝવવા શું કરવું એ મુદ્દે ઉમેદવારો અને રાજકીય પક્ષો મૂંઝવણમાં મૂકાયાં છે.

મતદારોના અકળ વલણથી ઉમેદવારોમાં ચિંતા

વર્તમાન રાજકીય સ્થિતિ જોતા ચૂંટણીનો માહોલ એટલો નિરસ બન્યો છે કે જાણે ક્યાંય ચૂંટણી હોય તેવું લાગતું જ નથી. જોકે, આ શાંતિ પાછળ મતદારોમાં એક પ્રકારનો 'અંડરકરન્ટ' હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. પંદર દિવસના લાંબા પ્રચાર બાદ પણ મતદારોનું મન કળવું અઘરું બન્યું છે, જેના કારણે ઉમેદવારો અને રાજકીય પક્ષોના જીવ અત્યારે તાળવે ચોંટ્યા છે. મતદારોને રિઝવવા માટે કયા પ્રયાસો કરવા તે મોટો પ્રશ્ન છે, કારણ કે બહારથી દેખાતું ચૂંટણીનું ચિત્ર અંદરખાને સાવ અલગ હોવાનું જણાય છે.

મતદારોને આકર્ષી શકે તેવા નક્કર મુદ્દાઓનો અભાવ 

સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં મુદ્દાઓ પણ જાણે બિનઅસરકારક સાબિત થયા છે, જેના કારણે મતદારોની નિરસતાએ પક્ષોની ચિંતામાં વધારો કર્યો છે. રાંધણગેસની અછત, વધતી મોંઘવારી અને વૈશ્વિક યુદ્ધની અસરોને લીધે વેપાર-ધંધામાં જે મંદીનો માહોલ સર્જાયો છે, તેના કારણે ચૂંટણી પ્રચાર સાવ ફિક્કો રહ્યો છે. મતદારોમાં જાણે ચૂંટણીનો માનસિક થાક વર્તાઈ રહ્યો હોય તેમ તેમને પ્રક્રિયામાં કોઈ રસ રહ્યો નથી. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે મતદારોને આકર્ષી શકે તેવા કોઈ નક્કર કે અસરકારક મુદ્દાઓ રાજકીય પક્ષો પાસે હોય તેમ જણાતું નથી.

પ્રજાલક્ષી કામોના અભાવે જનતામાં ભભૂકતો રોષ

ભાજપ સરકાર પણ મતદારો વચ્ચે જઈને વાહવાહી મેળવે તેવો ચૂંટણી પ્રચાર કરી શકે તેવી સ્થિતિમાં નથી. હાલ એન્ટી-ઈન્કમબન્સીનો એવો માહોલ પ્રવર્તી રહ્યો છે કે, લોકો સરકારથી ભારોભાર નારાજ છે. ભાજપના ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ પ્રજાલક્ષી કામો જ કર્યા નથી જેથી લોકોમાં રોષ ભભૂક્યો છે. આ જોતાં ઠેર ઠેર ભાજપના ઉમેદવારોનો હુરિયો બોલાવાઈ રહ્યો છે. આ તરફ, કોંગ્રેસ અને આપ પણ સરકારના કાન આમળીને મતદારોના મનમાં અસરકારકતા ઉભી કરી શકે તેમ નથી. ભાજપ સામે વિપક્ષનો ડાળ ગળે તેમ લાગતું નથી. મજબૂરવશ ગુજરાતની જનતા માટે ભાજપને મત આપ્યા સિવાય છૂટકો નથી.

આ પણ વાંચો: ગઈ વખતે મને અહીંથી ૧૭ મત મળ્યા હતા, મત માંગવા ગયેલા લાંભાના અપક્ષ ઉમેદવારને લોકોએ ભગાડી દીધા

રાજકીય પક્ષોને ચિંતા : ગરમી ઉપરાંત ઉનાળુ વેકેશન પણ મતદાનમાં નડશે

છેલ્લાં ત્રણેક દિવસથી ગરમીનો પારો 40 ડીગ્રીનો પાર કરી ચૂક્યો છે. હજુ પણ હવામાન વિભાગનું કહેવું છે કે, રવિવારે મતદાનના દિવસે પણ સૂર્યદેવતા પોતાનો અસલી મિજાજ દેખાડશે. ગરમીની લહેર વધશે તો છેલ્લાં બે દિવસ ચૂંટણી પ્રચાર કરવો પણ અઘરો બનશે સાથે સાથે મતદાન પર અસર થઈ શકે છે જેના લીધે ઉમેદવારોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ઉનાળુ વેકેશનને પગલે ઘણાં પરિવારોએ રજા માણવા ટુર પેકેજો બુક કરાવ્યાં છે. જો આ પરિવારો મતદાન નહી કરે તો ઉમેદવારોને વધુ એક ફટકો પડવાનો ડર છે. આ જોતાં ઉમેદવારોએ મતદારોને રજા પર ન જવા કાકલૂદી કરવી પડી રહી છે.