Gujarat Land Policy Update: રાજ્યના ખેડૂતો અને જમીન ધારકો માટે ગુજરાત સરકારે એક ખૂબ જ રાહતજનક અને મહત્ત્વનો નિર્ણય લીધો છે. જમીનના આંતરિક વ્યવહારો, વારસાઈ અને હક્ક કમીની પ્રક્રિયામાં અત્યાર સુધી લાગતી જંત્રી આધારિત મોટી સ્ટેમ્પ ડ્યુટીને બદલે હવે માત્ર રૂપિયા 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કિસાન સંઘો અને સામાજિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પગલે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ આ મોટી છૂટછાટ જાહેર કરવામાં આવી છે.
શું ફેરફાર કરવામાં આવ્યા?
સરકારના આ નવા સુધારા મુજબ હવે નીચે મુજબના કિસ્સાઓમાં જંત્રીના બદલે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લાગશે.
હક્ક કમીની પ્રક્રિયા: સંયુક્ત ખાતેદારો પૈકી કોઈ એક કે વધુ વારસદારોની તરફેણમાં હક્ક જતો (હક્ક કમી) કરવામાં આવે, ત્યારે પ્રત્યેક લેખ પર માત્ર ₹300 ડ્યુટી લાગશે.
સીધી લીટીના વારસદારો: જો મૂળ ખાતેદારના સીધી લીટીના વારસદારો (પુત્ર, પુત્રી વગેરે) હયાત હોય અને તેમના નામ દાખલ કરવાના હોય, તો તે માટે પણ આ રાહત મળશે.
આડી લીટીના વારસદારો: જો સીધી લીટીના કોઈ વારસદારો હયાત ન હોય, તો તેવા કિસ્સામાં આડી લીટીના વારસદારો(ભાઈ-બહેન કે તેમના સંતાનો)ના નામ દાખલ કરવા માટે પણ ₹300ની ટોકન ડ્યુટી જ ભરવાની રહેશે.
વારસાઈ વહેંચણી: સમયક્રમ મુજબ થયેલી વારસાઈ નોંધ બાદ, સંયુક્ત ખાતેદારો વચ્ચે થતી જમીન વહેંચણીના પ્રત્યેક લેખ પર હવે મોટો આર્થિક બોજ નહીં પડે.
આ નિર્ણયથી શું ફાયદો થશે?
સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો થવાથી ખેતીની જમીનના કૌટુંબિક વ્યવહારો દસ્તાવેજી બનશે, જેનાથી ભવિષ્યના વિવાદો અને કોર્ટ કેસોમાં મોટો ઘટાડો જોવા મળશે. ખેડૂતોને જંત્રી મુજબ લાખોની સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુક્તિ મળશે. સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાને કારણે અત્યાર સુધી ઘણા વ્યવહારો કાચા કાગળ પર કે બિનદસ્તાવેજી રહેતા હતા, જે હવે કાયદેસર રીતે નોંધણી પામશે. અને પરિવારના સભ્યો વચ્ચે મિલકતની વહેંચણી સરળ બનતાં કૌટુંબિક ઝઘડા અને લાંબા ચાલતા કોર્ટ કેસોનું પ્રમાણ ઘટશે.
રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવાની સાથે જમીન મહેસૂલ પ્રક્રિયાને વધુ સરળ અને લોકાભિમુખ બનાવશે. હવે વારસાઈ અને હક્ક કમી જેવા કામો માટે ખેડૂતોએ મોટી રકમ ખર્ચવાની જરૂર રહેશે નહીં.


