Get The App

AI અને ડીપફેકના દુરુપયોગ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, VIDEO-કન્ટેન્ટનું વેરિફિકેશન જરૂરી

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
AI અને ડીપફેકના દુરુપયોગ મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, VIDEO-કન્ટેન્ટનું વેરિફિકેશન જરૂરી 1 - image

Ahmedabad News: એઆઈ (AI) અને ડીપફેકના વધતા જતા દુરુપયોગ અંગે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા સહિતના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઓથેન્ટિકેશન એટલે કે અધિકૃતતા વિના કોઈપણ વીડિયો કે વાંધાજનક કન્ટેન્ટ મૂકવા પર રોક લગાવવા માટે હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે જણાવ્યું હતું કે, જો પ્લેટફોર્મ પ્રોવાઈડર્સ નિયમોનું પાલન ન કરે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી અનિવાર્ય છે.

ફરિયાદો પર તત્કાલ કાર્યવાહી જરૂરી

કોર્ટમાં દાખલ થયેલી જાહેરહિતની અરજીમાં ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. અરજીમાં જણાવ્યા અનુસાર, ડીપફેક ટેકનોલોજી દ્વારા બંધારણીય હોદ્દેદારોના ખોટા વીડિયો બનાવીને તેમની છબી ખરડવામાં આવી રહી છે. આ મામલે હાઈકોર્ટે ટકોર કરી હતી કે, જો સરકાર પાસે ઓથેન્ટિકેશનની પૂરતી વ્યવસ્થા ન હોય, તો વાયરલ થતા કન્ટેન્ટ અંગેની ફરિયાદો પર તાત્કાલિક ધ્યાન આપીને પ્લેટફોર્મ પ્રોવાઈડર વિરુદ્ધ કડક નિયંત્રણો મૂકવા જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, કહ્યું- ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર 'એક્સપર્ટ' તરીકેની

કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતોમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. સરકારના જણાવ્યા મુજબ, અત્યાર સુધી મળેલી આશરે 1,000 ફરિયાદોમાંથી માત્ર 14 કિસ્સાઓમાં જ પ્લેટફોર્મ પ્રોવાઈડરોએ જવાબ આપ્યો છે. મોટાભાગની કંપનીઓ વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવાને બદલે 'URL ઉપલબ્ધ નથી' તેવા જવાબો આપીને છટકી જતી હોય છે. આ બાબતને ગંભીરતાથી લેતા કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે જો સરકારના નિર્દેશ છતાં પ્લેટફોર્મ કન્ટેન્ટ ન હટાવે, તો તેમની વિરુદ્ધ શું પગલાં લઈ શકાય?

સરકારે કહ્યું 3 કલાકમાં કન્ટેન્ટ હટી જાય છે

સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, અગાઉ વાંધાજનક કન્ટેન્ટ હટાવવા માટે 36 કલાકનો સમય અપાતો હતો. જે ઘટાડીને હવે 3 કલાક કરવામાં આવ્યો છે. જો પ્લેટફોર્મ આ નિર્દેશ ન માને તો આઈટી એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ છે. જોકે, હાઈકોર્ટે ભાર મૂક્યો હતો કે માત્ર કન્ટેન્ટ ચઢાવનાર જ નહીં, પરંતુ પ્લેટફોર્મ પ્રોવાઈડરની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. આ મામલે કોર્ટ હવે આગામી સમયમાં પ્લેટફોર્મ્સને શિસ્તમાં લાવવા માટે કડક હુકમો જારી કરે તેવા સંકેતો મળી રહ્યા છે.