ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Heavy Rain Forecast: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે શુક્રવારે(31 જુલાઈ) દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 31 જુલાઈએ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 185 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના અંબિકા અને ભરુચના નેત્રંગમાં 11-11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિતના 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 6 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલું ડિપ્રેશન હાલ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જો કે, આ સિસ્ટમની તીવ્રતામાં આંશિક ઘટાડો નોંધાયો છે, તેમ છતાં આજે(31 જુલાઈ) સમગ્ર રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહેશે.
1 ઑગસ્ટે અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગ અનુસાર, 1 ઑગસ્ટના શનિવારના રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, આણંદ અને રાજકોટ જિલ્લામાં 'રેડ ઍલર્ટ' જાહેર કરીને અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે.
2 ઑગસ્ટની આગાહી
આગામી 2 ઑગસ્ટના રોજ 8 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
રાજ્યમાં હાલ ડિપ્રેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન અને મોન્સૂન ટ્રફ સહિતની એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ વધુ રહેવાની અને દરિયો તોફાની બનવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.









